નવી દિલ્હી: 18 ઓક્ટોબર, 2025: દેશમાં તહેવારોની સિઝન ચાલી રહી છે, ત્યારે દરેક ઘરમાં પૂજા-પાઠ, હવન અને ધાર્મિક અનુષ્ઠાનો થતા હોય છે. આ બધા માટે કપૂર એક અનિવાર્ય સામગ્રી છે. જેવી દિવાસળી ચાંપતા તરત જ તે સળગી ઉઠે છે અને ચારે બાજુ એક મનમોહક, સુગંધિત મહેક ફેલાવી દે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, કપૂરનું નિર્માણ કેવી રીતે થાય છે, તેનું વૃક્ષ કેવું દેખાય છે અને તે આટલું જ્વલનશીલ કેમ હોય છે?
કપૂર કેવી રીતે બને છે?
બજારમાં મુખ્યત્વે બે પ્રકારના કપૂર ઉપલબ્ધ છે: પ્રથમ કુદરતી કપૂર અને બીજું ફેક્ટરીઓમાં કૃત્રિમ રીતે તૈયાર કરાયેલ કપૂર.
- કુદરતી કપૂર: આ કપૂર ‘કેમ્ફૂર ટ્રી’ નામના વૃક્ષમાંથી પ્રાપ્ત થાય છે, જેનું વૈજ્ઞાનિક નામ Cinnamomum Camphora છે.
- આ કેમ્ફૂર વૃક્ષ લગભગ 50 થી 60 ફૂટ ઊંચું હોય શકે છે અને તેના પાંદડા ગોળ આકારના તથા લગભગ 4 ઇંચ પહોળા હોય છે.
- કપૂર હકીકતમાં આ ઝાડની છાલમાંથી બનાવવામાં આવે છે. જ્યારે કેમ્ફૂરની છાલ સૂકાવા લાગે છે અથવા તેનો રંગ ભૂરો દેખાવા લાગે છે, ત્યારે તેને ઝાડ પરથી અલગ કરી લેવામાં આવે છે.
- ત્યારબાદ આ છાલને ગરમ કરીને રિફાઇન કરવામાં આવે છે અને પીસીને પાવડર બનાવવામાં આવે છે. અંતે, જરૂરિયાત મુજબ તેને વિવિધ આકાર આપવામાં આવે છે.
કેમ્ફૂર ટ્રી ક્યાંથી આવ્યું અને તેનો ઈતિહાસ:
કેમ્ફૂર ટ્રી (Camphor Tree)ની ઉત્પત્તિ મુખ્યત્વે પૂર્વ એશિયા, ખાસ કરીને ચીનમાં માનવામાં આવે છે. જોકે, કેટલાક વનસ્પતિશાસ્ત્રીઓ તેને જાપાનનું મૂળ વૃક્ષ પણ માને છે.
- ચીનમાં તાંગ રાજવંશ (618-90 ઈ.સ)ના શાસનકાળ દરમિયાન કેમ્ફૂર ટ્રીનો ઉપયોગ કરીને એક પ્રકારની આઇસક્રીમ તૈયાર કરવામાં આવતી હતી, જે ખૂબ જ લોકપ્રિય હતી.
- 9મી સદીની આસપાસ ડિસ્ટિલેશન પદ્ધતિનો ઉપયોગ કરીને કેમ્ફૂર ટ્રીમાંથી કપૂર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ અને ધીમે ધીમે તે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની ગયું.
ભારતમાં કપૂરના છોડનું આગમન:
ભારતે પણ કપૂરના ઉત્પાદન પર કામ કરવાના પ્રયાસો કર્યા હતા. 1932માં પ્રકાશિત થયેલા એક સંશોધન પત્રમાં કલકત્તાની સ્કૂલ ઑફ ટ્રોપિકલ મેડિસિનના આર.એન. ચોપરા અને બી. મુખર્જીએ ઉલ્લેખ કર્યો છે કે, 1882-83 દરમિયાન લખનૌના હોર્ટિકલ્ચર ગાર્ડનમાં કપૂર ઉત્પાદક વૃક્ષોની ખેતીમાં સફળતા મળી હતી. જોકે, પછીના વર્ષોમાં દેશના ઘણા વિસ્તારોમાં કેમ્ફૂર ટ્રીની ખેતી મોટા પાયે થવા લાગી.
કપૂરના વૃક્ષને ‘બ્લેક ગોલ્ડ’ કેમ કહેવાય છે?
કેમ્ફૂર ટ્રીને બ્લેક ગોલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની ગણના વિશ્વના સૌથી મૂલ્યવાન વૃક્ષોમાં થાય છે.
- આ વૃક્ષમાંથી માત્ર પૂજા-પાઠમાં વપરાતું કપૂર જ નહીં, પરંતુ એસેન્શિયલ ઓઇલ, વિવિધ પ્રકારની દવાઓ, પર્ફ્યુમ અને સાબુ જેવી અનેક ઉપયોગી વસ્તુઓ પણ બનાવવામાં આવે છે.
- કપૂરના વૃક્ષમાં છ વિશિષ્ટ રસાયણો હોય છે, જેને કેમોટાઇપ્સ કહેવામાં આવે છે, જેમાં કપૂર (Camphor), લિનાલૂલ (Linalool), અને સિનિઓલ (Cineole) મુખ્ય છે.
કપૂર તરત કેમ સળગી ઉઠે છે?
કપૂરમાં કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જેના કારણે તેનું જ્વલન તાપમાન (Ignition Temperature) ખૂબ ઓછું હોય છે. આનો અર્થ એ છે કે તેને ખૂબ જ હળવી ગરમી મળતા સળગવાનું શરૂ કરી દે છે. આ ઉપરાંત, કપૂર એક અત્યંત બાષ્પશીલ (Volatile) પદાર્થ છે. જ્યારે કપૂરને થોડું પણ ગરમ કરવામાં આવે છે, ત્યારે તેની વરાળ ખૂબ જ ઝડપથી હવામાં ફેલાઈ જાય છે અને વાતાવરણના ઓક્સિજન સાથે મળીને તે ખૂબ જ સરળતાથી સળગવા લાગે છે.