જાલના,તા.18 કોન્ટ્રાક્ટર પાસેથી 10 લાખ રૂપિયાની કથિત લાંચ માગીને સ્વીકારવા બદલ એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ જાલના મહાનગરપાલિકાના કમિશનર સંતોષ ખાંડેકરની ધરપકડ કરી હતી.
ધરપકડ બાદ એસીબીની ટીમે ખાંડેકરના સરકારી બંગલોમાં સર્ચ હાથ ધરી હતી. મોડી રાત સુધી ચાલેલી સર્ચ અંગે અધિકારીઓએ કોઈ માહિતી આપી નહોતી. ઑપરેશન હજુ ચાલી રહ્યું હોવાનું અધિકારીનું કહેવું છે.
ખાંડેકર અગાઉની જાલના નગરપાલિકાના ચીફ ઑફિસર હતા. 2023માં નગરપાલિકાની મહાનગરપાલિકા બનાવવામાં આવ્યા પછી ખાંડેકરને કમિશનર બનાવવામાં આવ્યા હતા.
દરમિયાન ખાંડેકરની ધરપકડના સમાચાર સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિક નાગરિકો અને અનેક સામાજિક કાર્યકરો એસીબીની ઑફિસ બહાર ભેગા થયા હતા. ઉજાણી તરીકે ફટાકડા ફોડી આનંદ મનાવાયો હતો.