કાળીચૌદશની રાત બની કાળરાત્રિ, ટ્રિપલ મર્ડરથી રાજકોટ રક્તરંજિત, પોલીસ દોડતી થઈ

Spread the love

 

રાજકોટમાં દિવાળી પર્વ દરમિયાન નજીવી બાબતે ટ્રિપલ મર્ડરની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. શહેરના આંબેડકરનગરમાં એકસાથે ત્રણ હત્યા થઈ જતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો મોડીરાત્રે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કાળીચૌદશની મધ્યરાત્રિના વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં બે સગા ભાઈ સુરેશ વશરામ પરમાર (ઉં.વ.45) અને વિજય વશરામ પરમાર (ઉં.વ.40)ની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી.  સામા પક્ષે હુમલો કરનાર અરુણ બારોટની પણ હત્યા કરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આંબેડકરનગર વિસ્તારમાં મોડીરાત્રે ત્રણ-ત્રણ હત્યાને પગલે ખળભળાટ મચી ગયો છે. પોલીસે જૂથ અથડામણમાં બંને પક્ષ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગર વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના સામે આવી હતી, જેમાં વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં બન્ને જૂથના લોકો આમને-સામને આવી ગયા હતા. આ જૂથ અથડામણમાં બે સગાભાઈનાં મોત થયાં છે. સામેના જૂથના લોકોએ છરી વડે હુમલો કરતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે સગા ભાઈ સુરેશ વશરામ પરમાર (ઉં.વ.45) અને વિજય વશરામ પરમાર (ઉં.વ.40)નાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય લોકોને ઇજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મૃતક બન્ને ભાઈના પિતા વશરામભાઇએ જણાવ્યું હતું કે મારા બન્ને દીકરા મજૂરીકામ કરતા હતા, જેઓ કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન 10:30થી 11:00 વાગ્યા આસપાસ તેમનું વાહન સામે અથડાયું હશે, જેથી તેમને સામે જોઈને ચલાવવા બાબતે કહ્યું હતું. એ બાબતે બોલાચાલી થતાં સામેવાળા લોકોએ મારા બન્ને દીકરા એના દીકરા તેમજ મારી પુત્રવધૂ ઉપર છરીઓ ઉગામી છે, જેમાં આજે મારા બન્ને દીકરાનાં મોત થઇ ગયાં છે. અમારા વિસ્તારમાં દારૂનું દૂષણ છે એ દૂર કરવામાં આવે એવી અમારી માગ છે. લુખ્ખા તત્ત્વો આવી રીતે દારૂ પીને લુખ્ખાગીરી કરતાં હોય છે. બનાવની જાણ થતાં DCP ક્રાઇમ જગદીશ બાંગરવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ ઉપરાંત માલવિયાનગર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા હતા અને સમગ્ર ઘટનામાં બે સગા ભાઈઓનાં મોત થતાં માલવિયાનગર પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા અને હત્યાની કલમ હેઠળ ગુનો નોંધવા તપાસ તજવીજ હાથ ધરી છે. આ અંગે ACP બી.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં આંબેડકરનગર વિસ્તારમાં એક જૂથ અથડામણ થઈ હતી. એમાં ત્રણ વ્યક્તિનાં મોત થયાં છે, જેમાં મૃતકનું નામ અરુણભાઈ વિનુભાઈ બારોટ છે, સામે પક્ષે સુરેશભાઈ વશરામભાઈ પરમાર અને વિજયભાઈ વશરામભાઈ પરમાર છે જે બે સગાભાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય અકસ્માતમાં આ બોલાચાલી થઈ હતી તેમજ છરી, બેટ, ધારિયાં, ધોકા વડે ઈજાઓ પહોંચાડી હતી, જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં બે સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા પહોંચી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *