

દાહોદના હિન્દુ સ્મશાનમાં આવેલા દૂધેશ્વર મહાદેવ મંદિરે કાળી ચૌદસની રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે કાળી ચૌદસે સ્મશાનઘાટ તરફ જવાથી લોકો ડરે છે, પરંતુ અહીં 25 વર્ષ જૂની પરંપરાને જીવંત રાખી હજારો ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા, જેનાથી સ્મશાન ભક્તિના કેન્દ્રમાં પરિવર્તિત થયું હતું. મંદિર સમિતિના પ્રયાસોથી સમગ્ર સ્મશાનને લગભગ 5,000 દીવડાઓથી આકર્ષક રીતે સજાવવામાં આવ્યું હતું. દીવડાઓના પ્રકાશમાં ભજન-ગરબા અને લોકનૃત્યોથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કાર્યક્રમ દરમિયાન મોડી રાત્રે ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી. રંગબેરંગી ફુલઝરાઓથી આકાશ ઝળહળી ઉઠ્યું હતું અને ભક્તોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.
મંદિર પરિસરમાં ‘ઓપરેશન સિંદૂર’ની વિશેષ ઝાંખી પણ પ્રસ્તુત કરવામાં આવી હતી, જેના દર્શન કરી ભક્તો ભાવુક બન્યા હતા. આ ઝાંખીએ દેશભક્તિ અને ભક્તિનો અનોખો સમન્વય દર્શાવ્યો હતો. કાર્યક્રમના અંતે, મંદિર સમિતિ દ્વારા તમામ ભાવિકો માટે મહાપ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય લોક ડાયરાએ દાહોદના સ્મશાનને ડરના સ્થળમાંથી ભક્તિના તીર્થમાં રૂપાંતરિત કર્યું અને સમગ્ર શહેરને એકતા તથા ભક્તિભાવનો અનોખો અનુભવ કરાવ્યો.