
કાળી ચૌદશનું નામ પડે એટલે સામાન્ય રીતે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળતા હોય છે. ખાસ કરીને સ્મશાન કે તેની આસપાસથી પસાર થવાની વાત તો દૂર રહી. કારણ કે આ રાત્રે તંત્ર-મંત્ર અને અંધશ્રદ્ધાનો માહોલ વધારે પ્રબળ બનતો હોય છે. પરંતુ આજે એક એવું સ્મશાન બતાવીશું જ્યાં કાળી ચૌદશની રાત્રે તાંત્રિકો નહીં, પણ બાળકો, મહિલાઓ અને વડીલો ફટાકડાની ભવ્ય આતશબાજી માણી રહ્યા હોય છે. અંધશ્રદ્ધાના અંધકારને દૂર કરવા માટે મહેસાણામાં થઈ રહેલો આ અનોખો પ્રયાસ સૌ માટે પ્રેરણારૂપ છે. મહેસાણાના પરા વિસ્તારમાં આવેલા ‘નિજધામ સ્મશાનગૃહ’માં કાળી ચૌદસ ની રાત્રે લોકો સ્મશાનની આસપાસ ફરકવાનું પણ ટાળતા હોય છે.પરંતુ મહેસાણાના આ સ્મશાનગૃહમાં કાળી ચૌદશની રાત્રે બાળકો, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં એકઠા થાય છે અને ભવ્ય આતશબાજીની મજા માણે છે. લોકોના મનમાંથી કાળી ચૌદશે ફેલાયેલો ભય દૂર કરવા માટે મહેસાણામાં આ અનોખી રીતે મહેસાણાના સ્મશાનમાં કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવે છે.
સમર્પણ ગ્રુપ અને રોટરી ક્લબ ઑફ મહેસાણા દ્વારા છેલ્લાં 2013ના વર્ષથી આ રીતે સ્મશાનમાં લોકોને એકઠા કરીને અંધશ્રદ્ધાને દૂર કરવાનો સફળ પ્રયાસ થઈ રહ્યો છે. આ કાર્યક્રમને કારણે હવે કાળી ચૌદશે અહીં તાંત્રિકોનો કે અન્ય કોઈ અંધશ્રદ્ધાનો ભય રહેતો નથી. લોકોના મનમાંથી ભૂત-પ્રેતનો ભ્રમ દૂર થાય છે. આ સંસ્થાઓનો અંધશ્રદ્ધા દૂર કરવાનો આ પ્રયાસ ખરેખર સફળ રહ્યો છે. મહેસાણામાં અનોખી રીતે ઉજવાતી આ કાળી ચૌદશ દિન-પ્રતિદિન વધુ પ્રખ્યાત થઈ રહી છે. અહીં લોકો મોટી સંખ્યામાં એકઠા થાય છે. શરૂઆતમાં તો ઘણા લોકોને માનવામાં પણ આવતું નહોતું કે સ્મશાનમાં પણ વળી આતશબાજી કોણ કરે અને શા માટે કરે! પરંતુ, જ્યારે રૂબરૂ આ સ્મશાનની મુલાકાત લેવામાં આવે છે, ત્યારે ખબર પડે છે કે, ‘ભાઈ, આ મહેસાણા છે! અહીં સ્મશાનમાં પણ દિવાળી ઉજવાય છે.’ મહેસાણાનો આ પ્રયાસ સાબિત કરે છે કે જો યોગ્ય દિશામાં કામ કરવામાં આવે તો લોકોના મનમાંથી અંધશ્રદ્ધાનો ભય સરળતાથી દૂર કરી શકાય છે. સકારાત્મક પ્રયાસોથી ડર અને અંધશ્રદ્ધાને હરાવી શકાય છે. ખરેખર આ એક પ્રશંસનીય અને અનુકરણીય પહેલ છે.