કેરેબિયન સાગરમાં ધીમી ગતિએ આગળ વધતું વાવાઝોડું ‘મેલિસા’ હવે ઘણાં દેશોમાં વિનાશ વેરી શકે છે, જેને પગલે જમૈકા સહિતના ટાપુમાં હાઈ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમેરિકાના નેશનલ હરિકેન સેન્ટરે (NHC) ચેતવણી આપી છે કે તેની ધીમી ગતિ જ તેને વધુ ખતરનાક બનાવી રહી છે અને તે ટૂંક સમયમાં જ તીવ્ર વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે.
હાલમાં વાવાઝોડું ‘મેલિસા’ જમૈકાની નજીક પહોંચી ગયું છે, જેના કારણે ત્યાંના તમામ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. NHC અનુસાર, આ વાવાઝોડું 30મી ઓક્ટોબર સુધી સક્રિય રહેશે અને જમૈકા, ક્યુબા, બાહમાસ, યુનાઇટેડ સ્ટેટ્સ અને ડોમિનિકન રિપબ્લિકને અસર કરી શકે છે.
એક પ્રેસ કોન્ફરન્સમાં જમૈકાના વડાપ્રધાન એન્ડ્રુ હોલનેસે જણાવ્યું હતું કે, ‘મેલિસા વાવાઝોડું જમૈકા અને દક્ષિણ હિસ્પેનિઓલામાં ગંભીર પૂર, ભૂસ્ખલન અને તોફાનનું કારણ બની શકે છે.’ તેમણે અધિકારીઓને સતર્ક રહેવાની સૂચના આપી છે, કારણ કે વિનાશક પૂરની સંભાવના છે.
100 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે
અહેવાલો મુજબ, વાવાઝોડું મેલિસા 26મી અને 27મી ઓક્ટોબર દરમિયાન જમૈકાની નજીક અથવા તેની ઉપરથી પસાર થશે. ત્યારબાદ તે પૂર્વ તરફ આગળ વધશે અને 28મી અને 29મી ઓક્ટોબરના રોજ ક્યુબા અને બાહમાસમાં લેન્ડફોલ કરી શકે છે. આ બંને દેશોમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને વ્યાપક પૂરની શક્યતા છે.
અન્ય દેશોમાં પણ ખતરો
મેલિસા વાવાઝોડું બરમુડા માટે પણ ખતરો ઊભો કરી શકે છે. એટલાન્ટિક મહાસાગર તરફ આગળ વધતા તેની ગતિ 130 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અને ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ હૈતીમાં મુશળધાર વરસાદ અને પૂર આવવાની સંભાવના છે. ડોમિનિકન રિપબ્લિકમાં પણ ભારે વરસાદ અને ભૂસ્ખલન થઈ શકે છે.આ ઉપરાંત અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં પણ આ વાવાઝોડાના કારણે ભારે વરસાદની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, તમામ અસરગ્રસ્ત દેશોમાં સંબંધિત સરકારી એજન્સીઓ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.