
રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બેહાલ બની છે. શહેરના ભગવતીપરામાં પરપ્રાંતીય યુવાનના ગળે છરી રાખી ધોળા દિવસે રૂ.7500 ની લૂંટની ઘટના સામે આવી છે. વતન નાણા મોકલવા માટે મિત્ર સાથે દુકાને જઈ રહ્યો હતો ત્યારે 3 શખ્સોએ બંનેને અટકાવ્યા હતા અને યુવાનને આંતર્યા બાદ પ્રતિકાર કરતા ગળા અને હાથમાં છરી મારી દીધી હતી. બી ડિવિઝન પોલીસ મથકમાં ગૂનો નોંધાયા બાદ તાત્કાલિક SOG ની ટીમે લૂંટ ચલાવતા 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. જમાનો એક શખ્સ વાહન ટોઈંગનું કામ કરે છે. જ્યારે ત્રીજો શખ્સ પકડવાનો બાકી છે તે અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. શહેરના પારેવડી ચોક પાસે લાતી પ્લોટમાં રહેતાં મૂળ ઉત્તરપ્રદેશના વતની મોહીતકુમાર દીનેશકુમાર ગૌતમ (ઉ.વ.19) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ત્રણ અજાણ્યા શખ્સોના નામ આપ્યા હતા. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં તેના મિત્રો સાથે છેલ્લા બે મહીનાથી રહે છે અને લાતી પ્લોટ શેરી ન.4 માં પુનિતભાઈને ત્યા સાડીના રંગ કામનું કામ કરે છે. 26 મીએ બપોરના 4 વાગ્યાની આસપાસ તે અને તેનો મિત્ર છુટકાકુમાર ઘરેથી ભગવતીપરામા આવેલ દર્શ નામની દુકાને તેમની પાસે રહેલ રૂ.7500 વતન પરિવારને મોકલવા જતો હતો.
જે દરમિયાન તે બન્ને મિત્રો ભગવતીપરા પુલ નીચે રેલ્વેના પાટા પહેલા મેલડી માતાના મંદીર પાછળ આવેલ ખરાબા પાસે પહોંચતા સામેથી ત્રણ અજાણ્યા શખ્સો તેમની પાસે ઘસી આવ્યા હતા અને તેમા 3 પૈકી એક શખસે યુવાનના ગળા પર છરી રાખી કહ્યું હતું કે, તમારી પાસે જેટલા પૈસા હોય તે આપી દો. જેથી બંને યુવાનોએ કહ્યુ હતુ કે, અમારી પાસે કંઈ નથી. જેથી ત્રણેય શખ્સો ગાળાગાળી તથા ઝપાઝપી કરવા લાગતા યુવાનને ગળામા અને હાથમા ઇજા થઈ હતી. બે શખસોએ જબરદસ્તી કરી યુવાનના પેન્ટના ખીસ્સામા રાખેલ રૂ.7500 બળજબરીથી ઝુટવી લીધા હતા.
આ ઘટના વખતે મિત્ર છુટકાકુમાર ત્યાથી ભાગી ગયો હતો.યુવાન જોરજોરથી બુમો પાડવા લાગતાં આરોપીઓ નાસી ગયા હતાં. જે બાદ દોડી આવેલ તેમના મિત્રોએ 112 મા ફોન કરતા પોલીસ દોડી આવી હતી અને બાદમાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી લુંટારૂ ત્રિપુટીને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. જે ઘટનામાં SOG એ કુલદીપ ઉર્ફે રાજ મોહનભાઈ મકવાણા (ઉ.વ.19, મજુરીકામ, રહે- ભગવતીપરા ત્રિમૃતી ચોક રાજકોટ) અને જય ઉર્ફે જયલો વિક્રમભાઈ મકવાણા (ઉ.વ.23, વાહન ટોઈંગ, રહે- પારેવડી ચોક ખોડીયારપરા, રાજકોટ) ને ઝડપી પાડ્યા હતા. જ્યારે રોહિત ધર્મેન્દ્રભાઈ દંડેયા (રહે.ખોડીયાર પરા પારેવડી ચોક પાસે રાજકોટ) પકડવાનો બાકી છે . જેની સામે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ગૂનો નોંધાઈ ચૂક્યો છે.