
અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં રેસિડેન્ટ મહિલા ડોક્ટરની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. સારવાર માટે આવેલા એક દર્દીને ડૉક્ટરે સારવાર આપવાની ના પાડી દીધી હતી. એટલું જ નહીં, મહિલા ડૉક્ટરે વીડિયો ઉતારતા વ્યક્તિ સાથે હાથચાલાકી પણ કરી હોવાનું સ્પષ્ટપણે વીડિયોમાં જોવા મળી રહ્યું છે. અજય ચાવડા નામનો શખસ તેમની બીમાર ભત્રીજીની સારવાર માટે ગઈકાલે(26 ઓક્ટોબર) રાત્રે 9 વાગ્યાની આસપાસ સોલા સિવિલમાં આવ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી.
પોતાની ભત્રીજીની સારવાર માટે આવેલા દર્દી અજય ચાવડાએ જણાવ્યું હતું કે, મારી ભત્રીજીને છેલ્લા બે દિવસથી થોડો તાવ હતો, પણ આજે એને થોડું વધારે વધી ગયું હતું. કફના કારણે શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને તાવ પણ ખૂબ જ વધારે હતો. એટલે અમે તાત્કાલિક સોલા સિવિલ ખાતે લઈ આવ્યા. મારો ભાઈ અહીંયા સોલા સિવિલમાં જ ઇલેક્ટ્રિશિયન તરીકે જોબ કરે છે, એટલે અમે અહીંયા આવ્યા. જ્યારે અમે પીડિયાટ્રિક વિભાગમાં આવ્યા ત્યારે ડૉક્ટર હાજર નહોતા. લગભગ 9 વાગ્યાની આસપાસ અમે હોસ્પિટલ આવ્યા હતા. પરંતુ કોઈ ડૉક્ટર હાજર નહોતા. થોડીવાર રાહ જોયા બાદ ડૉક્ટર આવ્યા. તેમણે જોયું તો થર્મોમીટર ટી-શર્ટની ઉપર બગલમાં લગાવેલું હતું. ડૉક્ટરે આવીને તરત જ મારા ભાઈને કહ્યું કે, આવી રીતે ન આવે, ટી-શર્ટની અંદર મૂકવાનું હોય. તો મારા ભાઈએ કહ્યું કે, હું નર્સિંગ સ્ટાફમાંથી નથી. તમારા સ્ટાફમાંથી કોઈએ મૂક્યું છે. તો ડૉક્ટરે કહ્યું કે, મેં કીધું ને આને ટી-શર્ટની અંદર મૂકવાનું હોય. મારા ભાઈએ જવાબ આપ્યો કે, હું આ ના કરી શકું. કેમ કે હું સ્ટાફમાંથી નથી. તમે મૂકી દો. તો ડૉક્ટરે ઊંચા અવાજે કહ્યું કે, મેં તમને 3-4 વાર કીધું તો તમને ખબર નથી પડતી? તારી છોકરી છે તો તને ખબર ન પડે મૂકવાની? એમ કહીને અમારી સાથે ઊંચા અવાજે વાત કરવા લાગ્યા. અજય ચાવડાએ વધુમાં જણાવ્યું કે, મેં ડૉક્ટરનું નામ પૂછ્યું, પણ કોઈ જવાબ નહોતું આપી રહ્યું. મેં ડૉક્ટરને કહ્યું કે, તમે ધીમેથી વાત કરો. તો એ કહેવા લાગ્યા કે, મારો અવાજ જ આવો જ છે. પછી મેં વીડિયો રેકોર્ડિંગ ચાલુ કર્યું, તો તેમણે મારા ફોન પર હાથ માર્યો. મને હાથ પર વાગ્યું અને મારા ભાઈને પેટ પર પણ વાગ્યું. આવું થયા બાદ ડૉક્ટરે સ્પષ્ટ કહ્યું કે, તમે મારી સાથે ગેરવર્તણૂક કરી છે, એટલે હું ટ્રીટમેન્ટ નહીં કરું. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. અને એવું પણ કહ્યું કે, ચીફ મિનિસ્ટર પાસે જવું હોય તો જાઓ, હું ટ્રીટમેન્ટ નહીં કરું. ત્યારબાદ મેં CMOનો કોન્ટેક્ટ કર્યો. થોડીવાર પછી CMOએ અમને જણાવ્યું કે, તમે વીડિયો ડિલીટ કરી દો. એ ડૉક્ટર ટ્રીટમેન્ટ કરી દેશે. ત્યારબાદ અમને વેઇટિંગ એરિયામાં બેસાડ્યા અને મારી ભત્રીજીને ટ્રીટમેન્ટ માટે અંદર લઈ જવામાં આવી હતી.