અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ પડતાં નદી-નાળા છલકાઇ ગયા

Spread the love

 

હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ પડતાં નદી-નાળા છલકાઇ ગયા છે, ખેતરો જળબંબાકાર થઇ ગયા છે અને અનેક રસ્તાઓ બ્લોક થઇ ગયા છે. બીજી તરફ રાજુલાના ધાતરવડી ડેમ-2ના એક સાથે 19 દરવાજા ખોલાતા નીચાણવાળા અનેક ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના પગલે ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે સહિત અનેક રસ્તાઓ બંધ થઇ ગયા છે. બીજી તરફ ખેતરો પાણીમાં તરબોળ થતાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ધાતરવડી ડેમ-2 દરવાજા ખોલાતા ખાખબાઈ, હિંડોરણા, વડ, રામપરા, કોવાયા, ઉછેયા, ભેરાઇ અને ભચાદ સહિતના ગામોને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજુલાના રામપરા ગામમાં ધાતરવડી નદીના પાણી ઘૂસી જતાં દૂધ લઇને જતો બોલેરો ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાઇ ગયા બાદ તણાઇ ગયો હતો. જોકે, સ્થાનિક લોકોએ ભેગા મળીને દોરડા વડે ચાલકનું રેસ્ક્યૂ કરીને જીવ બચાવી લીધો બતો. બીજી તરફ અહીં એક બાઇક પણ તણાઇ ગયું હતું, જેના ચાલકનું પણ સ્થાનિકોએ રેસ્ક્યૂ કર્યું હતું. ખાંભા તાલુકામાં પણ ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જેને લઇને ખાંભાનો રાયડી ડેમ છલકાઇ જતાં પાંચ દરવાજા બે-બે ફૂટ ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. જેને લઇને નિચાણવાળા વિસ્તારો જેવા કે, મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, મીઠાપુર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ડેમ કે આજુબાજુના વિસ્તારમાં ન જવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.
બીજી તરફ રાજુલાના ચોત્રા ગામની નદીમા ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. એક મહિલાને પ્રસુતીની પીડા ઉપડતાં 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જોકે, બ્રિજ ઉપર પાણી હોવાથી એમ્બ્યુલન્સ પરત મોકલવી પડી હતી અને મહિલાને જેસીબીમાં બેસાડીને ડિલિવરી માટે લઇ જવાઇ હતી. ધારતવડી નદીના પાણી ફરી વળતાં રાજુલા તાલુકાનું ઉંચેયા ગામ સંપર્ક વિહોણુ થઇ ગયું છે. અહીં વાડી વિસ્તારમાં 50 જેટલા શ્રમિકો ફસાઇ જતાં રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી પાણીના ધમસમતા પ્રવાહમાંથી પસાર થઇને પહોંચ્યા હતા. સાથે પીપાવાવ મરીન પોલીસ પણ ઘટના સ્થળે પહોંતી હતી અને ફસાયેલા 50 લોકોનું રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પરથી પસાર થતાં વાહન ચાલક મનુભાઈ જણાવે છે કે, અમારે કંપનીમાં જવું છે પણ અહીં સ્થિતિ એવી છે કે નીકળી શકાય એવું જ નથી. નેશનલ હાઇવેની આ સ્થિતિ છે તો અંતરિયાળ રસ્તાઓની કેવી સ્થિતિ હશે? અહીં હાલ પણ વરસાદ ચાલુ છે. અમારી તંત્રને વિનંતી છે કે દર વખતે વરસાદમાં અહીં આવી જ સ્થિતિ સર્જાય છે તો આનું કંઇક કાયમી નિવારણ લાવે. અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું હતું કે, અલગ અલગ 3 જગ્યાએથી 50થી 100 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પાણીમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજુલામાં બચાવ કામગીરી માટે એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *