
વાંસદા પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ₹1,36,699ની કિંમતના ચાર ખોવાયેલા મોબાઇલ ફોન તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. આ ત્રીજી વખત છે જ્યારે વાંસદા પોલીસે આવા કાર્યક્રમનું આયોજન કરીને લોકોને તેમની ખોવાયેલી વસ્તુઓ પાછી અપાવી છે. વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા આ મોબાઇલ ફોન વાંસદા પી.આઈ. એન.એમ. આહિરના માર્ગદર્શન હેઠળ એએસઆઈ અનિલ પટેલ, નરસિંહા, સંદીપ નીતિન સહિત સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ શોધી કાઢ્યા હતા. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી વિવિધ ગામોમાંથી આ ફોન શોધીને કબજે કર્યા હતા.
શોધી કાઢવામાં આવેલા મોબાઈલ ફોનમાં ₹85,000નો આઈફોન 16 પ્લસ, ₹13,999નો વિવો વી285, ₹24,000નો ઓપો એફ25 5G અને ₹13,700નો સેમસંગ એ207 મોડેલનો સમાવેશ થાય છે. આ તમામ ફોનની કુલ કિંમત ₹1,36,699 થાય છે. વાંસદા પોલીસ સ્ટેશન ખાતે આયોજિત ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમમાં મોબાઇલ ધારકોને તેમના ફોનની ઓળખ કરાવીને સુપ્રત કરવામાં આવ્યા હતા. પોતાની ખોવાયેલી વસ્તુઓ પાછી મળતા મૂળ માલિકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને તેમણે પોલીસની આ સરાહનીય કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.