
ભરૂચ શહેરના મુક્તિનગર વિસ્તારમાં એક ગાય ગર્ભાશયનો ભાગ બહાર આવી જવાના દુઃખાવાથી પીડાતી જોવા મળી હતી. આ અંગેની જાણ સ્થાનિક રહીશ કમલેશ ગોસ્વામીએ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના હિરેન શાહને કરી હતી. માહિતી મળતા જ હિરેન શાહ તેમની ટીમના સભ્યો રમેશ દવે, યોગેશ મિસ્ત્રી, સંજય પટેલ અને જોગંત પટેલ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટીમે તાત્કાલિક ડૉક્ટરની મદદથી ગાયને પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી. પરંતુ ગાયની હાલતને ધ્યાનમાં રાખીને વધુ સારવારની જરૂર જણાતા, સાર્થક ફાઉન્ડેશનની એનિમલ એમ્બ્યુલન્સ મારફતે તેને કરજણ પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાણીપ્રેમી સંસ્થાઓ અને સ્થાનિક રહેવાસીઓની સમયસરની સતર્કતા અને માનવતાભર્યા પ્રયત્નો પ્રશંસનીય ગણાયા છે.