હનીટ્રેપમાં ફસાવતી યુવતી રિસેપ્શનના આગલા દિવસે જ ‘ટ્રેપ’

Spread the love

 

વેપારીઓને હનીટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવનાર યુવતીને આખરે નરોડા પોલીસે એક વર્ષ બાદ ઝડપી લીધી છે.યુવતી તેના અન્ય સાગરિતો સાથે મળીને બે અલગ અલગ વેપારીઓને હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હતા.યુવતીના ત્રણ સાગરિતોની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી.પરંતુ યુવતી છેલ્લા એક વર્ષથી પોલીસને હાથતાળી આપીને નાસી રહી હતી.યુવતીએ એક યુવક સાથે લગ્ન કરી લીધા હતા અને યુવતીનું રિસેપ્શન પણ યોજવાનું હતું પરંતુ યુવતીના રિસેપ્શન પહેલા જ પોલીસે યુવતીની ચાલુ કથામાંથી ધરપકડ કરી છે. નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.વી ગોહિલની સૂચનાથી એક વર્ષથી હની ટ્રેપના ગુનામાં ભાગતી યુવતીને ઝડપી લેવા પોલીસની અલગ અલગ ટીમ કામે લાગી હતી.પોલીસે બાતમીના આધારે હિના ઉર્ફે જાનવી વડોદળાની અમદાવાદના ગોતાથી ધરપકડ કરી છે. તેના રાજકોટના સાગર સાથે મળીને વેપારીને પ્રેમ જાળમાં ફસાવ્યા હતા જે બાદ અલગ અલગ બહાનાથી વેપારીઓ પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા હતા. આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024 માં બે અલગ અલગ અને ટ્રેપની ફરિયાદ નોંધાઈ હતી.
એક ફરિયાદમાં રાજસ્થાનનાં રિયલ એસ્ટેટનાં વેપારીને આ યુવતીએ શીતલ પટેલના નામે વ્હોટ્સએપ મેસેજ કરી નરોડા મળવા બોલાવ્યો હતો.જ્યાં વેપારીએ યુવતી સાથે ખરીદી કરી અને બાદમાં રોડ પર અચાનક એક ગાડીમાં 3 શખ્સો આવ્યા અને પોતાની પત્ની સાથે વેપારી શું કરે છે, તેમ કહીને બળાત્કારનાં ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 50 લાખ રૂપિયા માંગ્યા હતા. વેપારીનું અપહરણ કરી એક લાખ રોકડા અને 2.40 લાખનાં દાગીનાં પડાવી તમામ ફરાર થઈ ગયા હતા. બીજી ફરિયાદમાં સુરતમાં રહેતા અને ન્યુટ્રીશીયન પાવડરનો વેપાર કરતા વેપારીને ફોન કરી શીતલ મહેતા તરીકેની ઓળખ આપી હતી. પોતાનું વજન ઉતારવા માટે ન્યુટ્રીશીયન પાવડર ખરીદવાનું કહીને વાતો શરૂ કરી હતી. જેની વિગતો સમજાવવાનાં નામે વેપારીને મળવા બોલાવી દહેગામ તરફ મળીને પોતાની એક્ટીવા પર કેનાલ પાસે લઈ ગઈ હતી. જ્યાં અચાનક ક્રેટા કારમાં 3 શખ્સો આવી પહોંચ્યા હતા જેમાંથી એક શખ્સે આરોપીના પાકિટમાં તપાસી ડ્રગ્સ જેવી પડીકી કાઢી અને વેપારી તેમજ યુવતી ડ્રગ્સ ડીલર છે તેવુ જણાવી અપહરણ કર્યું હતું.બાદમાં ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકીઓ આપી એક લાખની કિંમતની સોનાની લકી અને 3 લાખ રોકડા પડાવી લીધા હતા.
આ બન્ને ફરિયાદો નોંધાયા બાદ નરોડા પોલીસે જયરાજસિંહ બોરીચા, વિજય સગર અને મંગળુભાઈ ખાચરની ધરપકડ કરી હતી.જોકે વેપારીઓને ફસાવીને મળવા બોલાવનાર મુખ્ય આરોપી એક વર્ષથી ફરાર હતી.પોલીસને બાતમી મળતા ગોતામાંથી યુવતીને ઝડપી પાડી હતી.યુવતીએ ગોતામાં રહેતા યુવક સાથે લગ્ન કરી લીધા હતા જે બાદ યુવતીનું યુવક સાથે રિસેપ્શન પણ યોજવાનું હતું પરંતુ રિસેપ્શનના આગલા દિવસે જ પોલીસે યુવતીને યુવક સાથે લગ્ન બાદ બેઠેલી કથામાંથી ઝડપી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *