
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા કેબિનેટ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાને પત્ર લખવામાં આવ્યો છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળના સાથે પડતર પ્રશ્નોને લઈને બેઠક કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. રાજ્યની સ્વનિર્ભર ગ્રાન્ટેડ શાળા અને સ્વનિર્ભર શાળાઓના પડતર પ્રશ્નોને લઈને વહેલીતકે બેઠક કરવા માટે કેબિનેટ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. નવી સરકારના સમય દરમિયાન પડતર પ્રશ્નોનો ઉકેલ આવે તે માટેની રાજ્ય શાળા સંચાલક મહામંડળ આશા રાખી રહ્યું છે.
રાજ્યની સ્વનિર્ભર ગ્રાન્ટેડ શાળા અને સ્વનિર્ભર શાળાઓના પડતર પ્રશ્નોને લઈને જૂની સરકારના શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ શાળાઓના પડતર પ્રશ્નોનો કોઈ નીવેડો આવ્યો નથી. જેથી નવા શિક્ષણ મંત્રી સાથે બેઠક કરી શાળાઓના પડતર પ્રશ્નો બાબતે યોગ્ય ચર્ચા થાય તેવી રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી તેમજ વચગાળાની વ્યવસ્થા કરવામાં આવી તેમાં ઘણો વિલંબ થઈ રહ્યો છે. શાળાઓને જ્ઞાન સહાયક આપવામાં પણ 6 મહિના કરતા વધુ સમય લાગી ગયો છે એટલે કે એક સત્ર બાદ હવે વિદ્યાર્થીઓને શિક્ષક મળવાના છે. જેવા પડતર પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી રાજ્ય શાળા સંચાલક મહામંડળ શિક્ષણ મંત્રીને માંગ કરી રહ્યું છે.
રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલ જણાવે છે કે, છેલ્લા કેટલાય વર્ષથી ક્લાર્ક અને પટાવાળાની ભરતી કરવામાં આવી નથી. 2009થી શાળાના આચાર્ય અને શિક્ષકો પટાવાળાનું કામ કરી રહ્યા છે. શાળાઓની નિભાવ ગ્રાન્ટ અને ફી સ્લેબમાં પણ વધારો કરવામાં આવ્યો નથી. FRC 2017માં અમલમાં આવી તે સમયે પ્રાથમિક માટે 15 હજાર, માધ્યમિક માટે 25 હજાર અને સામાન્ય પ્રવાહ માટે 27 હજાર અને વિજ્ઞાન પ્રવાહ માટે 30 હજાર સ્લેબ નક્કી કરવામાં આવ્યો હતો જેમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. દર વર્ષે 7 ટકા ફી વધારો ગણવામાં આવે તો પણ આજે 56 ટકા જેટલો વધારો મળવો જોઈએ જે મળ્યો નથી.
વધુમાં રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલ જણાવે છે કે, શાળાઓમાં કાયમી શિક્ષકોની જગ્યા શિક્ષણ સહાયક આપવા જોઈએ તે પણ મળ્યા નહીં. તેમજ જ્ઞાન સહાયક હજુ સુધી કેટલાક વિષયોમાં આપવામાં આવ્યા નથી. પ્રવાસી શિક્ષકની જોગવાઈઓ શરૂ કરવા માટે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે. અમારા જે પ્રશ્નો માટે તત્કાલિફ બેઠક થાય તે માટે રજુઆત કરવામાં આવી છે. વહેલી તકે બેઠક કરી અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવું ખૂબ જરૂરી છે. એક સત્ર પૂરું થયા બાદ પણ 40 ટકા શાળાઓમાં હજુ પણ જ્ઞાન સહાયક મળ્યા નથી.