અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં ચોમાસું સૌથી વધારે સક્રિય જોવા મળ્યું છે. ખાસ કરીને ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હોવાથી ખેતીવાડીને ભારે નુકસાન થયું છે. આગામી ત્રણથી ચાર દિવસ સુધી હજુ પણ વરસાદ પડશે.
જ્યારે કચ્છમાં હવામાન સૂકું છે.
અમરેલીના રાજુલામાં છેલ્લા ચોવીસ કલાકમાં 8.50 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે જ્યારે ભાવનગરના મહુવામાં 7.25 ઇંચ, ગીર સોમનાથના સૂત્રાપાડામાં લગભગ સાંત ઇંચ વરસાદ થયો છે અને ખેતરમાં લણણી કરીને રાખેલો પાક પલળી ગયો છે.
આ ઉપરાંત ગીર સોમનાથના ઉનામાં 5.55 ઇંચ, ખેડાના ગલતેશ્વરમાં 5.55 ઇંચ, અમરેલીના લીલિયામાં 5.39 ઇંચ, ગીર સોમનાથના ગીર ગઢડામાં 5.16 ઇંચ, પાટણ વેરાવળમાં 4.92 ઇંચ વરસાદ પડ્યો છે.
ભારે વરસાદ થયો હોય તેવા વિસ્તારોમાં વલ્લભીપુર, તળાજા, વડોદરા, ખાંભા, કોડિનાર, સાવરકુંડલા, મેઘરજ, ઉમરપાડા, વાગરા, બાલાસિનોર, નડિયાદ સામેલ છે જ્યાં સાડા ત્રણ ઇંચથી લઈને પાંચ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.
ગુજરાતની આસપાસ વરસાદી સિસ્ટમ સક્રિય
IMDડિપ્રેશન અને વાવાઝોડાની સેટેલાઈટ તસવીર
અરબી સમુદ્રમાં જે ડિપ્રેશનની સ્થિતિ સર્જાઈ છે, તે આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વઘે છે.
છેલ્લા અહેવાલ પ્રમાણે વેરાવળના દરિયાકિનારાથી આ જગ્યા 570 કિમી દૂર, મુંબઈથી 650 કિમી, પણજીથી 710 કિમી, લક્ષદ્વીપથી 850 કિમી અને મેંગલોરથી 920 કિમીના અંતરે આવેલી છે. આગામી 48 કલાકમાં તે પૂર્વમધ્ય અરબી સમુદ્રને પાર કરી જાય તેવી શક્યતા છે.
અપર ઍર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે એક ટ્રફ રચાયો છે જે અરબી સમુદ્રથી લઈને પૂર્વ મધ્ય પ્રદેશ સુધી ફેલાયેલો છે જેમાં સાઉથ ગુજરાત પણ આવી જાય છે.
ગુજરાતમાં આગામી બે દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે.
અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં આજે હળવાથી ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં કયા જિલ્લામાં હવે વરસાદ પડશે?
IMD
ગુજરાતમાં જે રીતે હવામાનમાં પલટો આવ્યો છે તેમાં હજુ ત્રણથી ચાર દિવસ સુધી અલગ-અલગ જગ્યાએ હળવાથી ભારે વરસાદ પડશે.
ઘણા જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે જ્યારે મોટા ભાગના જિલ્લાઓમાં યલો ઍલર્ટ અપાયું છે.
લૅટેસ્ટ બુલેટિન પ્રમાણે 28 ઑક્ટોબર, મંગળવારે બનાસકાંઠા, પાટણ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે.
મંગળવારે ગુજરાતના બાકીના જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. તેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા, નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.
આ જિલ્લાઓમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
29 ઑક્ટોબર, બુધવારે અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. જ્યારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, જૂનાગઢ, ગીગ સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી છે.
30 ઑક્ટોબર, ગુરુવારે અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટીછવાઈ જગ્યાએ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
ગુરુવારે ગુજરાતના બીજા જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જેની સાથે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
શુક્રવારે સુરત, નવસારી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, પોરબંદર, જૂનાગઢ, બોટાદમાં અમુક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.
રાજ્યના બાકીના જિલ્લાઓમાં શુક્રવારે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ભારે વરસાદથી ખેતીવાડીને નુકસાન
Alpesh Dabhiભાવનગરના મહુવા તાલુકાના મોટા ખુટવડા ગામના ખેડૂત પોતાની મગફળી બચાવવા પ્રયાસ કરી રહ્યા છે
ગુજરાતભરમાં હળવાથી ભારે વરસાદના કારણે ખેતીવાડીને ભારે નુકસાન થયું છે.
પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. અહીં ડાંગર એ મુખ્ય પાક છે અને ખેડૂતોની ચાર મહિનાની મહેનત પછી ડાંગરની લણણીનો સમય આવ્યો ત્યારે વરસાદના કારણે ડાંગરનાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે.
ભાવનગર અને અમરેલીમાં પણ આવી જ સ્થિતિ છે. ભાવનગરમાં મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો ચિંતામાં છે અને છેલ્લી ઘડીએ શક્ય એટલો પાક બચાવવા મહેનત કરી રહ્યા છે. ઘણા ખેતરોમાં ગોઠણ સુધી પાણી ભરાયાં છે.
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પછી જિલ્લાના સૌથી મોટા ખોડીયાર ડૅમનો વધુ એક દરવાજો 0.22 મીટર ખોલવામાં આવ્યો છે.
વડોદરામાં આજે ઝડપી પવન સાથે વરસાદ પડી રહ્યો છે અને શહેરના રોડ પરથી પાણી વહી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં સાવરકુંડલામાં ગઈ રાતથી વરસાદ ચાલુ થયો તે હજુ પણ વરસી રહ્યો છે. ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ પડવાથી પાકને ભારે નુકસાન થયું છે.