
ડોનાલ્ડ ટ્રમ્પે ત્રીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ ન બની શકવા બદલ નિરાશા વ્યક્ત કરી છે. ટ્રમ્પે કહ્યું કે કાયદાના કારણે તેઓ આમ કરી શકતા નથી. પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું,”જો તમે કાયદો વાંચો છો, તો તે ખૂબ જ સ્પષ્ટ છે, મને ત્રીજી વખત ચૂંટણી લડવાની મંજૂરી નથી, આ ખૂબ જ ખરાબ બાબત છે. મંગળવારે અગાઉ ટ્રમ્પને 2028 ની ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડવા વિશે પૂછવામાં આવ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે તેમની પાસે આવું કરવાની પરવાનગી છે, પરંતુ તેઓ તે કરશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે જો તેઓ કરશે તો લોકોને તે ગમશે નહીં. ટ્રમ્પ આજે દક્ષિણ કોરિયાની મુલાકાત માટે પહોંચ્યા હતા. તેમણે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ સાથે મુલાકાત કરી હતી. દક્ષિણ કોરિયાએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને તેનું સર્વોચ્ચ સન્માન, ગ્રાન્ડ ઓર્ડર ઓફ મુગુંઘવા એનાયત કર્યું હતું. રાષ્ટ્રપતિ મ્યુંગે ટ્રમ્પને સોનાનો મુગટ પણ ભેટમાં આપ્યો હતો.
ટ્રમ્પે દક્ષિણ કોરિયામાં એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) ના વ્યાપારી નેતાઓ સાથેના ભોજન સમારંભમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને “મેં જોયેલા સૌથી સુંદર માણસ” તરીકે વર્ણવ્યા હતા. ટ્રમ્પે કહ્યું,”વડાપ્રધાન મોદી દેખાવડા માણસ છે. પણ તેઓ કિલર છે, ખૂબ જ કઠોર છે. તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની પણ પ્રશંસા કરી અને પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને એક શક્તિશાળી ફાઇટર ગણાવ્યા.
આ ઉપરાંત ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો કે તેમણે આ વર્ષની શરૂઆતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવામાં ભૂમિકા ભજવી હતી.