અમદાવાદમાં 30થી 40 કિમીની ઝડપે ઠંડા પવન ફૂંકાતાં લોકો ઠઠર્યા

Spread the love

 

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ જિલ્લામાં વરસી રહેલા કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદની આગાહી કરી છે. આજ સવારથી અમદાવાદમાં બર્ફિલા પવન ફૂંકાતાં લોકો ઠઠરી ગયા હતા. તો બીજી તરફ બનાસકાંઠા, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં સવારથી વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આજે 2 જિલ્લામાં ઓરેન્જ અને 10 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું હોઈ, મંત્રીઓએ અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. આજે મળનારી કેબિનેટ બેઠકમાં ખેતીમાં નુકસાન અંગે ચર્ચા થવાની શક્યતા છે અને સરકાર સહાય અંગે કોઈ જાહેરાત કરી શકે છે.
બનાસકાંઠા જિલ્લામાં સવારથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. અમીરગઢમાં સવારે બે કલાકમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે ડીસા, દિયોદર, સુઈગામ, ધાનેરા, થરાદ, દાંતીવાડા અને લાખણીમાં વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ઠંડુંગાર વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસેલા કમોસમી વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્થિતિનો તાત્કાલિક તાગ મેળવવા મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાની સૂચના આપી હતી. મુખ્યમંત્રીના આ નિર્દેશ બાદ મંત્રીઓ મેદાનમાં ઊતરી ખેડૂતોની વચ્ચે પહોંચી તેમની વેદના સાંભળી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. રાજ્ય સરકારનાં સૂત્રોએ જણાવ્યું હતું કે માવઠાથી થયેલા નુકસાન અંગે રાજ્યના પાંચ મંત્રીએ જમીન સ્તરનો સર્વે કરી રિપોર્ટ તૈયાર કર્યો છે. આજે યોજાનારી કેબિનેટ બેઠક બાદ આ રિપોર્ટની સમીક્ષા કરીને ખેડૂતો માટે સહાયની જાહેરાત થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *