
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવનારા 6 આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની મ્યુનિસિપલ કમિશનર દ્વારા બદલી કરી દેવામાં આવી છે. જેમાં ત્રણ અધિકારીઓને અગાઉ જે ઝોન અને સબ ઝોનમાં ફરજ બજાવતા હતા જ્યાં હતાં ત્યાં પરત મૂકવામાં આવ્યા છે. જ્યારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારીઓને અલગ અલગ વિભાગની કામગીરી વહેંચી દેવામાં આવી છે. એક બાદ એક અચાનક જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો અને આરોગ્ય વિભાગમાં ફેરફાર કરવામાં આવતા AMC અધિકારીઓને કર્મચારીઓમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેક અધિકારીઓ વર્ષોથી એક જ વિભાગ અથવા તો ઝોનમાં ફરજ બજાવતા હતા જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા જે અધિકારીઓને કર્મચારીઓ ના એક જ વિભાગ કે ઝોનમાં 1000 દિવસ થઈ ગયા હોય તેની બદલી કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ લાવવામાં આવ્યો હતો
જે બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અનેક આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને અન્ય વિભાગના અધિકારીઓની બદલીઓ કરી દેવામાં આવી હતી. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની એક સાથે બદલી કરી તેમના ઝોન અને સબ ઝોન બદલી નાખવામાં આવ્યા હતા જોકે છ મહિનામાં જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની ફરીથી બદલીઓ કરી દેવામાં આવી છે. 6 જેટલા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરના ઝોન બદલી દેવામાં આવ્યા છે અને વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી છે જેના કારણે હવે તેમની ઉપર કામગીરીનું ભારણ અને સારી રીતે પ્રજા લક્ષી કામ થાય તેનું જવાબદારી વધી ગઈ છે. એક તરફ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની કેટલીક કામગીરીને લઈને અગાઉથી જ નારાજગી ચાલી રહી છે ત્યારે હવે વધારાની જવાબદારીની સાથે કામગીરી સોંપવામાં આવી છે ત્યારે પ્રજાના કામો ઝડપથી થશે કે પછી ઝોનની વધારાની જવાબદારીના બહાના હેઠળ કામગીરી માં ઢીલાશ જોવા મળશે.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા આરોગ્ય વિભાગમાં પણ વર્ષોથી એક જ જગ્યાએ ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવનારા ડો. ભાવિન સોલંકીની કામગીરી પણ વહેંચી દેવામાં આવી છે. દિવાળી તહેવાર પહેલા જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આરોગ્ય વિભાગમાં ફૂડ વિભાગમાં વર્ષોથી ફરજ બજાવનારા એડિશનલ આરોગ્ય અધિકારી ડો.ભાવિન જોશીની જન્મ મરણ વિભાગમાં જ્યારે અન્ય આરોગ્ય અધિકારી ડો. તેજસ શાહને જન્મ મરણ વિભાગમાંથી ફૂડ વિભાગનો હવાલો સોંપ્યો હતો. મ્યુનિસિપલ કમિશનરે આરોગ્ય વિભાગમાં જે અધિકારીઓને વિભાગો સોંપેલા હતા તેમાં ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકી, ડો. ભાવિન જોશી, ડો. તેજસ શાહ અને ડો. મેહુલ આચાર્યને જવાબદારી વહેંચી દીધી છે. આ વિભાગોમાં અગાઉ ઇન્ચાર્જ આરોગ્ય અધિકારીને રિપોર્ટ કરવાનો હતો જેની જગ્યાએ હવે સીધો રિપોર્ટ આરોગ્ય વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રિપોર્ટ કરવાનો રહેશે.