
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસેલા કમોસમી વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્થિતિનો તાત્કાલિક તાગ મેળવવા મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાની સૂચના આપી હતી. મુખ્યમંત્રીના આ નિર્દેશ બાદ મંત્રીઓએ મેદાનમાં ઊતરી ખેડૂતોની વચ્ચે પહોંચી તેમની વેદના સાંભળીને સ્થિતિની સમીક્ષા કરી હતી. આજે મળેલી કેબિનેટની બેઠકમાં સર્વેને મંજૂરી અપાઈ છે. હવે ગ્રામસેવકો અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીનો સર્વે કરશે. સર્વે બાદ રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. એક અઠવાડિયામાં સર્વેની કામગીરી કરાશે. આ ઉપરાંત આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને જિતુ વાઘાણીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે. આગાઉ પણ બન્ને નેતા પ્રવક્તા મંત્રી તરીકે રહી ચૂક્યા છે. આ પહેલાં જવાબદારી ઋષિકેશ પટેલ અને કનુભાઈ દેસાઈ સંભાળી રહ્યા હતા. હવે નવી ફરજ હેઠળ હર્ષ સંઘવી અને જિતુ વાઘાણી સરકારના નિર્ણયો અને નીતિઓ અંગે મીડિયાને માહિતી આપશે.
ભાવનગર જિલ્લાના શિહોર ખાતે કૃષિમંત્રી જિતુભાઈ વાઘાણીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને શિહોરના કાજાવદર ગામની મુલાકાત લઈ ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી પોતે પણ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને ખેડૂતોને પૂરતી મદદ મળી રહે એ માટે જરૂરી પગલાં ભરાશે. અમરેલી જિલ્લામાં રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ સાવરકુંડલાના જાબાળ અને ઘનશ્યામનગર ગામમાં ખેતરોની મુલાકાત લઈ મગફળી-કપાસ સહિતના પાકોમાં થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પાક નુકસાનીના તાત્કાલિક સર્વે માટે આદેશ આપી દેવામાં આવ્યો છે અને સરકાર ખેડૂતોની પડખે રહી મદદરૂપ બનશે.
ગીર સોમનાથ જિલ્લામાં વન અને પર્યાવરણમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમ્નભાઈ વાજાએ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. બંને મંત્રી ખેતરમાં પાણી વચ્ચે ઊતરીને પાકની સ્થિતિ નિહાળી હતી અને ખેડૂતોને હૈયાધારણા આપી હતી. સાંસદ રાજેશભાઈ ચૂડાસમા તથા સ્થાનિક આગેવાનો પણ તેમની સાથે જોડાયા હતા. એ જ રીતે આદિજાતિ વિકાસમંત્રી નરેશભાઈ પટેલે તાપી જિલ્લામાં જઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
ગત 20 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકારે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પડેલા વરસાદને લઈ 5 જિલ્લાના 18 તાલુકાના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો હતો, જેના માટે SDRFની જોગવાઈ મુજબ 563 કરોડ અને રાજ્ય સરકાર દ્વારા 384 કરોડની વધારાની સહાય ઉમેરી 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. ઓગસ્ટ અને સપ્ટેમ્બર-2025માં થયેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે, જેમાં જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જિલ્લામાં પાક નુકસાનીના અહેવાલો મળતાં જિલ્લા વહીવટીતંત્ર તરફથી 5 જિલ્લાના 18 તાલુકાનાં 800 ગામમાં સર્વે કરી પાક નુકસાનીના અહેવાલો મળ્યા હતા. એમાં ખરીફ ઋતુમાં વાવેતર કરેલા પાકો પૈકી મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ બહુવર્ષાયુ દાડમ જેવા બાગાયતી પાકોમાં નુકસાન થયાનું સામે આવ્યું હતું.
રાજ્યભરમાં માવઠાંથી આ વિસ્તારોમાં પાકને ભારે નુકસાનઃ
ભરૂચ: હાંસોટ પંથકમાં સતત વરસેલા ભારે વરસાદથી આશરે 90 હજાર હેક્ટર જમીનમાં વાવેલા પાકને ભારે ધોવાણ થયું છે.
રાજકોટ-બોટાદ: ગોંડલ, કોટડા સાંગાણી સહિતના વિસ્તારોમાં મગફળીના પાક પાણીમાં તણાઈ ગયા છે. ઘણા ખેડૂતોના પાકની કાપણી પણ અટકી ગઈ છે.
વડોદરા: છાણી, સોકડા અને ઓમકારપુરા સહિતનાં ગામોમાં લસણ, મેથી, ઘાસ અને શાકભાજીના પાકને મોટું નુકસાન થયું છે.
દાહોદ: ડાંગરનાં ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાક તણાઈ ગયો છે અને ખેડૂતોએ ભારે નુકસાનની દહેશત વ્યક્ત કરી છે.
સુરેન્દ્રનગર: ખેડૂતોમાં ચિંતા છે કે હજી સુધી 2024ની સહાય મળી નથી, ત્યારે આ વર્ષના વરસાદથી થયેલા નુકસાન માટે ક્યારે સહાય મળશે એ અંગે અનિશ્ચિતતા છે.