- Rajkot : ACBની મોટી કાર્યવાહી : યાંત્રિક રાઇડના RNB અધિકારીઓ રૂ.50 હજાર લાંચ લેતા રંગેહાથે ઝડપાયા
- ચકડોળ મેળા માટે ફિટનેસ સર્ટિફિકેટની લાંચ : બે ઈજનેર અને પબ્લિક પર્સનને ACBએ ટ્રેપમાં પકડ્યા
- રાજકોટ RNBમાં ભ્રષ્ટાચાર : રૂ.1 લાખની માંગણી પર રૂ.50 હજાર સ્વીકારતા ત્રણને ACBની ઝપેટ
- રણુંજા મંદિર ચકડોળ માટે લાંચ કૌભાંડ: પીયુષ પટેલ, નીરવભાઈ અને સુધીર પ્રજાપતિ ઝડપાયાRajkot : રજાઓના દિવસોમાં જાહેર જનતા પોતાના પરિવાર સાથે મેળાઓમાં મજા માણવા માટે જતી હોય છે, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓની લાલચનો ભોગ કોઈ નિર્દોષ પરિવાર બની જતો હોય છે. રાજકોટમાં બે લેભાગુ અધિકારીઓએ ચકડોળનું ફિટનેસ સર્ટિફિકેટ માટે એક લાખ રૂપિયાની માગણી કરી હતી. જોકે, ચકડોળના વેપારીની ચકડોળ સારી હોવા છતાં તેના પાસે પૈસા માંગતા તેને તેમની માંગણી સ્વીકારી નહતી અને એસીબીને વાત કરી હતી. તેથી બંને અધિકારીઓને પકડી પાડવામાં આવ્યા હતા.
Rajkot માં લાંચ રુશ્વત વિરોધી બ્યુરોની મોટી કાર્યવાહી
લાખો રૂપિયાના પગારદાર એવા સરકારી બાબુઓ એકાદ લાખ જેવી રકમ માટે જાહેર જનતાને મોતના મોઢામાં ધકેલવા માટે પણ અચકાતા નથી. વાત જાણે તેમ છે કે, રાજકોટમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB)એ મોટી કાર્યવાહી કરતાં રણુંજા મંદિર ખાતે યોજાનાર મેળા માટે યાંત્રિક (ચકડોળ) રાઇડના ફિટનેસ સર્ટિફિકેટ માટે રૂ.1 લાખની લાંચની માંગણી કરનારા રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ (RNB) વિભાગના બે અધિકારીઓ અને એક પબ્લિક પર્સનને રંગેહાથે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં કુલ ત્રણ વ્યક્તિઓની અટકાયત કરાઈ છે, જેમાંથી રૂ.50 હજારની લાંચની રકમ સ્વીકારતી વખતે ACBની ટીમે તેમને પકડ્યા છે.
ફરિયાદી એક વેપારી છે, જે સૌરાષ્ટ્રના વિવિધ લોકમેળાઓમાં યાંત્રિક રાઇડ્સનો વ્યવસાય કરે છે. તેમણે જણાવ્યું કે, ચકડોળ મેળા માટે તેમની રાઇડ્સને ફિટનેસ પ્રમાણપત્ર આપવા માટે RNB વિભાગના અધિકારીઓએ કુલ રૂ.1 લાખની લાંચની માંગણી કરી હતી. લાંચ આપવા માંગતા ન હોવાના કારણે તેઓએ ACBનો સંપર્ક કર્યો, જેના આધારે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ACBની ટીમે આજે પારેવડીચોક પુલ નીચે બજરંગ ટી સ્ટોલ પાસે આ કાર્યવાહી કરી, જ્યાં રૂ.50 હજારની રકમ સ્વીકારવામાં આવી હતી.
ઝડપાયેલા આરોપીઓમાં ક્લાસ-1 કાર્યપાલક ઈજનેર પિયુષ પટેલ (પીયુષ બાબુભાઈ બાંભરોળીયા), ક્લાસ-2 નાયબ કાર્યપાલક ઈજનેર નીરવભાઈ અને પબ્લિક પર્સન સુધીર પ્રજાપતિ (સુધીરભાઈ નવીનચંદ્ર બાવીશી)નો સમાવેશ થાય છે. પિયુષ પટેલે ફરિયાદી સાથે વાતચીત કરીને લાંચની વ્યવસ્થા કરી હતી, જ્યારે સુધીર પ્રજાપતિએ મધ્યસ્થી કરીને રૂ.50 હજારની રકમ સ્વીકારી હતી. ACBના પી.આઈ. પી.એ. દેકાવાડીયા તથા તપાસ ટીમે આ કાર્યવાહીને અમલમાં મુકી જેમાં ફોરેન્સિક પુરાવા અને ગુપ્ત તપાસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહીથી રાજકોટમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની કડકતા વધુ સ્પષ્ટ થઈ છે. તાજેતરમાં રાજ્ય સરકારે યાંત્રિક રાઇડ્સ માટે કડક SOP જાહેર કરી છે, જેનું પાલન કરવા માટે ફિટનેસ પ્રમાણપત્ર જરૂરી છે. પરંતુ આવા અધિકારીઓના કૃત્યથી મેળાના વેપારીઓને મુશ્કેલી પડે છે. તો ખરાબ રાઈડ્સને પૈસા આપીને ફિટનેસ સર્ટીફિકેટ આપી દેવાના કારણે અકસ્માત સર્જાય છે અને આવા અકસ્માતોમાં નાના ભૂલકાઓ પણ પોતાના જીવ ગુમાવતા હોય છે.
રાજ્યમાં પાછલા કેટલાક વર્ષોમાં રાઈડ્સ તૂટી પડવાના કેસો સામે આવ્યા છે. પાછલા સપ્તાહે સિદ્ધપુરના કારતક મેળા પહેલા જ રાઈડ તૂટી પડતાં કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. તેથી આવા લેભાગુ અધિકારીઓ એકાદ લાખ માટે નાના ભૂલકાઓથી લઈને જાહેર જનતાના જીવ સાથે ચેડા કરી રહ્યાં છે, જે ખુબ જ ગંભીર બાબત છે.
ACB ટ્રેપમાં રંગેહાથ : મેળાની યાંત્રિક રાઇડ માટે લાંચ લેતા RNBના અધિકારીઓ અને સહયોગી પકડાયા