વાવાઝોડા મોન્થાએ ભારે વિનાશ વેર્યોઃ 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

Spread the love

 

બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ગંભીર વાવાઝોડું ‘મોન્થા’ મંગળવારની રાત્રે આંધ્ર પ્રદેશના દરિયાકિનારા સાથે અથડાયા પછી દેશના મોટા ભાગમાં ભારે વિનાશ વેર્યો છે. આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારોમાં ભારે બરબાદી કર્યા પછી હવે તેની અસર ઓડિશા, તેલંગાણા, છત્તીસગઢ થકી અંતરિયાળનાં રાજ્યો ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી દેખાઈ રહી છે.

માહિતી મુજબ, આંધ્ર પ્રદેશના કોન્સીમા જિલ્લામાં જોરદાર પવનોને કારણે એક ઝાડ પડી જતાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતું.

આ તોફાનની અસર ઓડિશામાં પણ જોવા મળી હતી. 15 જિલ્લાઓમાં લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ વાવાઝોડાને પગલે આંધ્ર પ્રદેશમાં 38,000 હેક્ટર પાકનું નુકસાન થયું છે અને 1.38 લાખ હેક્ટર બાગાયતને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. આશરે 76,000 લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા, જ્યારે સરકારે વિવિધ સ્થળોએ 219 વૈદ્યકીય શિબિરોની વ્યવસ્થા કરી છે.

આ તોફાન મંગળવારની સાંજે સાતેક વાગ્યે આંધ્ર પ્રદેશના મચ્છલીપટ્ટનમ અને કાલિંગપટ્ટનમ વચ્ચે કાકીનાડા નજીક લેન્ડફોલ થયું હતું. આશરે લગભગ ચાર કલાક ચાલેલા આ લેન્ડફોલ દરમિયાન પવનની ગતિ 100 કિમી પ્રતિ કલાકથી વધુ રહી અને મુસળધાર વરસાદે શહેરોને છિન્નભિન્ન કરી દીધાં હતાં. 10 ફૂટ ઊંચી દરિયાઈ તરંગોએ તટ પર કહેર વરસાવ્યો, વીજળીના તાર તૂટી ગયા અને અનેક ઝાડ ઊખડી ગયાં હતાં.

આંધ્રમાં ઝાડ પડવાથી એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું, જ્યારે નાળિયેરનું ઝાડ પડવાથી એક છોકરો અને એક ઓટો ડ્રાઇવર ઘાયલ થયા હતા.

યુપી-બિહાર સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

IMDના નવા બુલેટિન મુજબ આગામી 24 કલાકમાં ચક્રવાત ઉત્તર તરફ આગળ વધશે અને પૂર્વી તથા મધ્ય ભારતના વિસ્તારોમાં તેના પ્રભાવથી ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.

ભારે વરસાદની શક્યતા:

બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા

માછીમારોને આપવામાં આવી ચેતવણી

આ સાથે કર્ણાટક, ગોવા, ગુજરાત, આંધ્ર, ઓડિશા અને બંગાળમાં માછીમારોને દરિયામાં ન જવાની કડક સલાહ આપવામાં આવી છે. એ સાથે-સાથે મોન્થાના પ્રભાવથી તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં બે દિવસ સુધી ભારે વરસાદ અને તેજ પવનો રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *