સુરત મહાનગર પાલિકામાં લાંચ લેતા ઝડપાયેલા કર્મચારીઓ સસ્પેન્શન બાદ ફરી ફરજ પર આવે છે અને મલાઈદાર વિભાગમાં જ પોસ્ટીંગ મેળવે છે તેવી ફરિયાદ બાદ સ્થાયી સમિતિ અધ્યક્ષે નોંધ મુકીને આવા કર્મચારીઓને નાણાકીય વ્યવહાર ન થતા હોય તેવી જગ્યાએ મુકવા તાકીદ કરી હતી. જોકે, આ નોંધની અસર થોડી થઈ છે પરંતુ બદલીની જે માહિતી આપી છે તેમાં ઉંધા ચશ્મા પહેરાવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સંકલનમાં કેટલાક કર્મચારીઓને અન્ય કામગીરી સોંપવામાં આવી હોવાનો ઉલ્લેખ છે પરંતુ ઝોનમાં હજી પણ તેઓ વિવાદી કામગીરી કરી રહ્યાં હોવાની ફરિયાદ થઈ રહી છે.
સુરત પાલિકામાં લાંચ લઈ પકડાયેલા 32 કર્મચારીઓ સસ્પેન્શન બાદ પુનઃ ફરજ પર લેવામાં આવ્યા છે પરંતુ પહેલા જ્યાં લાંચ લેતા ઝડપાયા હતા તેવી મલાઈદાર જગ્યા પર જ ફરીથી મુકવામાં આવ્યા હોવાની વ્યાપક ફરિયાદ બાદ સ્થાયી સમિતિ અધ્યક્ષે મ્યુનિ. કમિશનરને નોંધ મુકીને આવા કર્મચારીઓને નાણાકીય વ્યવહાર ન થતો હોય તેવી જગ્યાએ મુકવા સુચના આપી હતી. આ નોંધની થોડી અસર જોવા મળી છે અને પાંચ કર્મચારીઓને અન્ય જગ્યાએ મુકાયા છે જ્યારે બાકીના કર્મચારીઓ જેવા કે નાયબ આરોગ્ય અધિકારી, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર કે સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતની કેટલીક જગ્યાએ નામ જોગ હોવાથી તેમના ઝોન બદલી દેવામાં આવ્યા છે.
સ્થાયી અધ્યક્ષની નોંધ સાથે વિભાગ દ્વારા જે પત્રક આપવામાં આવ્યું છે તેમાં પણ કેટલાક કર્મચારીઓને બચાવવાનો ખેલ કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ પત્રકમાં સરથાણા ઝોનમાં ઓન લોન પર ડેપ્યુટી ઈજનેર અશ્વિન ટેલર અને આસી. ઇજનેર આર.સી.પટેલને દબાણની કામગીરી સોંપવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામા આવે છે. પરંતુ ઝોનમાં એવી ચર્ચા થઈ રહી છે કે, આ બંને અધિકારીઓ છેલ્લા ઘણા વખતથી સરથાણા ઝોનમાં જ કામગીરી કરી રહ્યાં છે અને ટીપી સ્કીમનો અમલ અને નોન ટી પી સ્કીમના રસ્તા ખોલાવવા જેવી વિવાદી કામગીરી કરી રહ્યાં હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ સાથે તેઓની કામગીરીની તપાસ થાય અને અન્ય અધિકારીઓની જેમ તેમની પણ અન્ય જગ્યાએ બદલી કરવામાં આવે તેવી માંગણી થઈ રહી છે.