- હવેથી તમામ પ્રકારની સત્તાવાર કાર્યવાહી માટે ડિજિટલ હસ્તાક્ષર
- આ અંગેનો પરિપત્ર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો
- દેશભરમાં એકસૂત્રતા, પ્રમાણિકતા અને ચકાસણીની સરળતા સુનિશ્ચિત કરવા માટે નિર્ણય લેવાયો
ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી તમામ પ્રકારની સત્તાવાર કાર્યવાહી માટે ડિજિટલ હસ્તાક્ષરવાળા જન્મ અને મરણના પ્રમાણપત્રોને ફરજિયાતપણે માન્ય ગણવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આરોગ્ય અને તબીબી સેવા વિભાગના પરિપત્ર મુજબ, આ નિર્ણય દેશભરમાં એકસૂત્રતા, પ્રમાણિકતા અને ચકાસણીની સરળતા સુનિશ્ચિત કરવા માટે લેવાયો છે. હાલમાં જન્મ અને મરણની તમામ નોંધણી કેન્દ્ર સરકારના સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) પોર્ટલ દ્વારા કરવામાં આવે છે. રાજ્યમાં 1 સપ્ટેમ્બર, 2025થી આ પ્રક્રિયા રાજ્યના E-ઓળખ ઍપ્લિકેશનમાંથી CRS પોર્ટલ પર તબદીલ કરવામાં આવી છે. CRS પોર્ટલ દ્વારા જનરેટ થતાં જન્મ અને મરણના પ્રમાણપત્રોમાં સંબંધિત રજિસ્ટ્રાર અથવા સબ-રજિસ્ટ્રારની ડિજિટલ સહી હોય છે, જે તેમની વિશ્વસનીયતા સાબિત કરે છે.
આ પ્રમાણપત્રો નાગરિકોને ઓટોમેટિક ઈમેલ દ્વારા મોકલી આપવામાં આવે છે
આ પ્રમાણપત્રો નાગરિકોને ઓટોમેટિક ઈમેલ દ્વારા મોકલી આપવામાં આવે છે અથવા તેઓ રજિસ્ટ્રારની કચેરીમાંથી સીધા મેળવી શકે છે. આ નિર્ણયના પગલે હવે આવા પ્રમાણપત્રો રાજ્યના તમામ સરકારી વિભાગોમાં સ્વીકાર્ય બનશે. આ પહેલ ‘ડિજિટલ ગુજરાત’ના લક્ષ્યને મજબૂત કરવા તરફનું એક નક્કર પગલું છે.