ગુજરાતમાં 25 ઑક્ટોબરથી સતત પડી રહેલા કમોસમી વરસાદે ખેતીવાડીમાં કહેર વરસાવ્યો છે. તેના કારણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં મગફળી અને કપાસના પાકને તો અન્ય વિસ્તારોમાં ડાંગર વગેરે પાકોને વ્યાપક નુકસાન પહોંચાડયાની ફરિયાદો ખેડૂતો કરી રહ્યા છે.
ખેડૂતોનું કહેવું છે કે આ માવઠું ભૂતકાળમાં પડેલાં માવઠાંથી અલગ છે.
સામાન્ય રીતે કમોસમી વરસાદ અમુક કલાકો સુધી કે એકાદ બે દિવસ સુધી વરસે છે, પરંતુ અરબી સમુદ્રમાં 22 ઑક્ટોબરે સર્જાયેલાં હવાનાં હલકાં દબાણને કારણે ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે અને કારતક મહિનામાં જાણે અષાઢી માહોલ સર્જાયો છે.
સતત ભેજવાળું અને વાદળછાયું વાતારવરણ તૈયાર થયેલાં મગફળી અને કપાસના પાકો પર તો વિપરીત અસર તો પાડી જ રહ્યું છે, ત્યારે સાતેક દિવસથી પ્રવર્તમાન વરસાદી વાતાવરણને કારણે અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલા જાફરાબાદ બંદરના માછીમારો ઉપર પણ ચિંતાનાં વાદળો ઘેરાયાં છે.
જાફરાબાદના માછીમારોની રોજીરોટી બૂમલા માછલી (બૉમ્બે ડક) પર નિર્ભર છે, પરંતુ બૂમલા માછલી ભેજવાળું વાતાવરણ સહન કરી શકતી નથી અને પરિણામે બંદરમાં જ ટનના હિસાબે માછલીઓ સડી રહી છે અને માછીમારો વાદળો જતાં રહે અને તડકો આવે તેવી માત્ર પ્રાર્થના કરી રહ્યા છે, કારણ કે બૂમલાને બચાવવાની તેમની પાસે સગવડો નથી.
સ્થાનિક જનપ્રતિનિધિએ આ અંગે મુખ્ય મંત્રી સુધી રજૂઆત કરીને, જેવી રીતે ખેડૂતોને માવઠાંથી થનારાં નુકસાનનું વળતર આપવામાં આવે છે, તેવી રીતે માછીમારોને પણ સહાય મળે તેની માંગ કરાઈ છે.
જાફરાબાદના માછીમારો બૂમલા પર જ કેમ નિર્ભર છે?
Bipin Tankaria/BBCગુરુવારે જાફરાબાદમાં માછલીનું સૉર્ટિંગ કરી રહેલ મહિલાઓ
વરસાદ વચ્ચે જયારે બીબીસી ગુજરાતીની ટીમ ગુરુવારે જાફરાબાદ પહોંચી તો જોવા મળ્યું કે લાકડાના થાંભલાઓ વચ્ચે બાંધેલાં દોરડાં પર સૂકવેલી બૂમલા માછલીઓ કોહવાઈને દોરડાની નીચે ઢગલો થઈ રહી હતી અને ક્યાંક-ક્યાંક મજૂરો આ રીતે સડી ગયેલી માછલીઓને દરિયામાં પાછી ફેંકી રહ્યા હતા.
ખંભાતના અખાતમાં જાફરાબાદ બંદર માછીમારીના સૌથી મોટા બંદરોમાં ગણના પામે છે.
જાફરાબાદના ખારવા સમાજ માછીમાર બોટ ઍસોસિયેસનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે જાફરાબાદ બંદરમાં 700 જેટલી માછીમારીની હોડીઓ (ફિશિંગ બોટ્સ) કાર્યરત છે અને દરેક બોટ ઓછામાં ઓછા 100 લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી આપે છે.
ગુજરાતમાં જાફરાબાદ ઉપરાંત વેરાવળ, માંગરોળ, પોરબંદર, ઓખા, જખૌ વગેરે માછીમારીનાં મોટાં બંદરો છે, પરંતુ તેમાં જાફરાબાદ બૂમલા માછલીને કારણે સૌથી અલગ તરી આવે છે.
કનૈયાલાલ સોલંકી કહે છે કે જાફરાબાદના માછીમારો ખંભાતના અખાતમાં તેમ જ મહારાષ્ટ્રના દહાણુ બંદર સુધીના દરિયામાં માછીમારી કરે છે અને તેમને બૂમલા માછલી જ સૌથી વધારે મળે છે.
કનૈયાલાલ સોલંકીએ કહ્યું, “જ્યાં નદીઓનું પાણી સમુદ્રમાં ભળતું હોય તેવા દરિયામાં બૂમલા માછલી વધારે થાય છે. નર્મદા, તાપી, મહી, સાબરમતી જેવી નદીઓ ખંભાતના અખાતમાં ભળે છે અને તેથી આ દરિયામાં બૂમલા માછલી વધારે મળે છે.”
“જો જાફરાબાદના કોઈ માછીમારને 100 કિલો માછલી મળે તો તેમાંથી સરેરાશ 80 કિલો માછલી તો બૂમલા જ હોય છે અને બાકીની 20 કિલોમાં અન્ય માછલીઓ હોય છે.”
કનૈયાલાલ સોલંકીએ કહ્યું કે કચ્છના જખૌ બંદર નજીક પણ બૂમલા માછલી મળે છે પણ, “જાફરાબાદ બંદર આખા ભારતમાં બૂમલા માછલીનું સૌથી મોટું હબ છે. જાફરાબાદથી સૂકવીને બૂમલા મહારાષ્ટ્રમાં વેચાય છે, તેમ જ બાંગ્લાદેશ, શ્રીલંકા, મોરોક્કો વગેરે દેશોમાં નિકાસ પણ કરાય છે.”
બૂમલાને માવઠું કેમ નડે છે?
Bipin Tankaria/BBCવરસાદથી સડી જઈને દોરડાં પરથી નીચે પડી ગયેલી બૂમલા માછલીઓને એકઠી કરવામાં આવી રહી છે.
ભારતમાં સૌથી વધારે મરીન ફિશ (સમુદ્રી માછલી)નું ઉત્પાદન કરતાં રાજ્યોની યાદીમાં ગુજરાત દર વર્ષે પ્રથમ કે બીજા નંબરે આવે છે.
ગુજરાત સરકારના આંકડા અનુસાર 2023-24ના વર્ષમાં ગુજરાતમાં મરીન ફિશનું ઉત્પાદન સાત લાખ ચાર હાજર ટન હતું. ગુજરાત મત્સ્યઉત્પાદનમાં અગ્રણી રાજ્ય હોવા ઉપરાંત માછલીની નિકાસમાં પણ અગ્રણી રાજ્ય છે.
ગુજરાતમાં માછીમારીની સિઝન 15મી ઑગસ્ટથી શરૂ થાય છે અને મે મહિના સુધી ચાલે છે.
જોકે, સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસાનો સમય 15મી જૂનથી 15 ઑક્ટોબર ગણાય છે.
ગુજરાતમાં સામાન્ય રીતે ઑગસ્ટ મહિનામાં ધોધમાર વરસાદ પડે છે. પાછલાં આઠેક વર્ષથી સપ્ટેમ્બર મહિનામાં પણ ખૂબ જ વરસાદ નોંધાયો છે.
માછીમારોએ કહ્યું કે બૂમલા માછલીની સૌથી મોટી સમસ્યા એ છે કે દરિયામાંથી પકડીને તેને તાજેતાજી ખાઈ શકાતી નથી.
કનૈયાલાલ કહે છે કે બૂમલાને તડકામાં સૂકવીને પછી જ ખાવામાં આવે છે.
Bipin Tankaria/BBCવરસાદથી સડી ગયેલી બૂમલા માછલી દેખાડી રહેલા દિનેશ સોલંકી
કનૈયાલાલ સોલંકી કહે છે, “બૂમલાના વજનમાં 85 ટકા જેટલો ભેજ હોય છે. જો તડકો હોય અથવા ઠંડો અને સૂકો શિયાળુ પવન હોય તો જ આ માછલી સૂકાય. વાતાવરણ સારું હોય તો બૂમલા ત્રણ દિવસમાં સૂકાઈ જાય છે અને પછી તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.”
“માછીમારોને સૂકી બૂમલાનો ભાવ ત્રણસોથી ચારસો રૂપિયા પ્રતિ કિલો મળે છે, પરંતુ વાદળછાયા કે ભેજવાળા વાતારણમાં બૂમલા સૂકાતી નથી અને તેમાં જીવાત પડી જાય છે. આવા વાતાવરણમાં બૂમલા સડવા માંડે છે અને દોરડાં પરથી નીચે પડી જાય છે અને તેનો કોઈ ઉપયોગ રહેતો નથી.”
આ વર્ષે ઑગસ્ટ મહિનાના અંતભાગમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો હતો. ત્યાર બાદ સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયાથી શરુ થયેલી નવરાત્રિ દરમિયાન પણ વરસાદ વરસ્યો હતો.
જાફરાબાદના દિનેશ સોલંકી નામના માછીમારે બીબીસી ગુજરાતીને કહ્યું કે તેમની પાસે બે બોટ છે, પરંતુ માછીમારીની સિઝન શરુ થયા બાદ સમયાંતરે વરસેલા વરસાદથી 127 રીક્ષા ભરાય તેટલી 75,000 કિલો કરતાં પણ વધારે બૂમલા માછલી નાશ પામી, જેના કારણે ત્રીસેક લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
દિનેશ સોલંકીએ કહ્યું, “એક કલાક વરસાદ વરસે તો પણ બૂમલા સડી જાય છે. સૂકાતી બૂમલાને વરસાદથી બચાવવા કાગળ ઢાંકીએ તો પણ બહુ ફેર પડતો નથી. આ વર્ષે 15 દિવસ જ બૂમલા સૂકાઈ છે, સપ્ટેમ્બર મહિનાથી વરસાદ જ જોયો છે. બીજું કંઈ નથી જોયું.”
બૂમલાને સ્ટોર ન કરી શકાય?
Bipin Tankaria/BBCખોડાભાઈ શિયાળ (જમણેથી પ્રથમ) અને તેની ટીમના માછીમારો પાંચ દિવસથી માછલી ઉતારી શક્યા નથી
ખોડાભાઈ શિયાળ અને તેની ટીમના અન્ય માછીમારો ગુરુવારે તેમની બોટની કૅબિનમાં બેસીને વાતાવરણ સ્વચ્છ થાય તેની રાહ જોઈ રહ્યા હતા.
ખોડાભાઈએ કહ્યું કે વાતાવરણ ખરાબ થતાં તેઓ પાંચ દિવસ પહેલાં તેમની બોટ લઈને જાફરાબાદ બંદર આવી ગયા, પરંતુ પાંચ રીક્ષા ભરાય તેટલી લગભગ 3,000 કિલો માછલી હજુ સુધી ઠાલવી શકાઈ નથી.
ખોડાભાઈ શિયાળે કહ્યું, “બોટના કોલ્ડરૂમમાં આ માછલીને હજુ 10-12 દિવસ સુધી સાચવી શકાય એમ છે, પરંતુ કોલ્ડરૂમમાં તેને લાંબો સમય સાચવી ન શકાય, કારણ કે બરફની ઠંડક તળિયા સુધી બરાબર પહોંચી શકતી નથી અને તેથી માછલી બગડવા માંડે છે.”
“વળી, તેમાં સતત બરફ પણ ઉમેરતા રહેવું પડે છે. તેથી, અમે હજુ માછલી ઉતારી નથી અને વાતાવરણ સુઘરવાની રાહ જોઈ રહ્યા છીએ.”
કનૈયાલાલ સોલંકીએ પણ કાંઠા પર તેમના બે કોલ્ડરૂમમાં સંગ્રહી રાખેલી બૂમલા માછલી દેખાડતા કહ્યું કે જાફરાબાદમાં દરેક માછીમાર પાસે કોલ્ડરૂમની સુવિધા નથી.
તેમણે કહ્યું, “કોલ્ડરૂમમાં માત્ર બરફથી વાતાવરણ ઠંડુ રાખવામાં આવે છે અને તેથી તાપમાનનું નિયંત્રણ યોગ્ય રીતે કરી શકાતું નથી અને માછલી બગાડી જવાનો ભય રહે છે. જો કોલ્ડ સ્ટોરેજ હોય તો તેમાં જરૂરી ટૅમ્પ્રેચર મેઇન્ટેન કરી શકાય અને બૂમલાને એકાદ મહિના સુધી સાચવી શકાય.”
“જાફરાબાદમાં આવું કોલ્ડ સ્ટોરેજ નથી. આ બાબતે અમે રાજ્ય સરકારને વિનંતી કરી છે અને મુખ્ય મંત્રીએ જાફરાબાદમાં કોલ્ડ સ્ટોરેજ ઊભું કરવા તૈયારી બતાવી છે, પરંતુ અમને જણાવાયું છે કે તે માટે જમીન શોધવી એક મોટી સમસ્યા છે.”
કનૈયાલાલ કહ્યું કે આ માવઠાથી જ જાફરાબાદના માછીમારોની 50 કરોડની માછલી બગડી ગઈ છે અને આ સિઝન ચાલુ થઇ ત્યારથી આશરે 200 કરોડના મૂલ્યની માછલીનું નુકસાન વેઠવું પડ્યું છે.
ખેડૂતોની જેમ સાગરખેડૂને વળતર મળશે?
Bipin Tankaria/BBCબોટના કોલ્ડરૂમમાં રાખવામાં આવેલી બૂમલા માછલી
બોટ ઍસોસિયેશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ માંગ કરી કે રાજ્ય સરકાર કમોસમી વરસાદથી પાકને થતાં નુકસાન બદલ જેમ ખેડૂતોને વળતર ચૂકવે છે તે જ રીતે કમોસમી વરસાદથી માછલી નાશ પામવાને કારણે સાગરખેડૂને પણ સહાય ચૂકવે.
કનૈયાલાલ સોલંકીએ કહ્યું, “જાફરાબાદમાં લોકો માત્ર માછીમારી પર નભે છે અને માછીમારો માત્ર બૂમલા પર નભે છે.”
“છેલ્લાં કેટલાંય વર્ષોથી વાતાવરણનો આ પ્રશ્ન નડે છે. અમે અવારનવાર સરકારને રજૂઆત કરી છે અને સીએમ સાહેબને રજૂઆત કરી છે કે ‘સાહેબ, તમે ખેડૂતોને રાહત આપો છો તે ખેડૂતો માટે સારું છે, પરંતુ થોડુંઘણું માછીમારો પર પણ ધ્યાન આપો.’ માછીમારો વિદેશી હૂંડિયામણ પણ કમાવી આપે છે, તો માછીમારો માટે પણ થોડો વિચાર કરી માછીમારો માટે પણ કોઈ પૅકેજ જેવું જાહેર કરવું જોઈએ.”
આ બાબતે બીબીસી ગુજરાતીએ રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો ગુરુવારે સંપર્ક કરતા તેમણે કહ્યું:
“જાફરાબાદના માછીમારોને થયેલાં નુકસાન અંગે સરકારને રજૂઆત કરવા હું ગાંધીનગર ગયો છું. હું સોમવારે મુખ્ય મંત્રીસાહેબને મળવાનો છું અને રજૂઆત કરવાનો છું કે જેમ ખેડૂતોને પાક નુકસાન પેટે સરકાર વળતર ચૂકવે છે, તેમ માછીમારો માટે પણ કોઈ યોજના લાવે.”