ફલેટદીઠ 25-30 હજારનો દંડ; હવે ‘ગોલમાલ’ ન કરવાના સોગંદનામા લેવાશે

Spread the love

♦ એફએસઆઇની મર્યાદા વધી જતી હોય તો 100 ટકા રકમ વસુલ કરવાની જોગવાઇ♦ મર્યાદામાં બાંધકામ આવે તો બે ગણી રકમ જમા કરવી પડશે : 0.60 મીટરની પ્રોજેકશન મર્યાદા

♦ સંખ્યાબંધ દસ્તાવેજો થઇ ગયા છે : મોટા વિવાદ છતાં હજુ ઘણી જગ્યાએ બાલ્કનીઓ મુકાતી હોવાની ચર્ચા

રાજકોટ, તા. 31
રાજકોટ મહાપાલિકા અને રૂડા વિસ્તારમાં આવેલા સેંકડો ઇમારતોના કમ્પલીશન સર્ટીફીકેટનો દોઢ વર્ષ જુનો પ્રશ્ન અંતે સરકારે ઉકેલી દીધો છે.

અગ્નિકાંડની ઘટના બાદ ઇમારતોમાં ‘પરંપરા’ મુજબ બહાર કાઢવામાં આવતી બાલ્કની અને ફલાવર બેડના બાંધકામ સાથે કાયદેસરનું બી.યુ. આપવાનું પૂર્વ કમિશનરે બંધ કરતા ગેરકાયદે બાંધકામને ખાસ નિયમો હેઠળ ઇમ્પેકટ ફીની જેમ નિયમબધ્ધ કરવા શરતોને આધીન મંજૂરી આવી છે.

જેમાં એફએસઆઇ, તારીખની ડેડલાઇનની શરતો સામેલ છે તો એક અન્ય મહત્વની શરતમાં બિલ્ડર અને આર્કિટેકટ પાસેથી ભવિષ્યમાં આવા ગેરકાયદે બાંધકામ નહીં કરે તેવા સોગંદનામા લેવાની જોગવાઇ દાખલ કરવામાં આવી છે. આથી હવે નિયમ પાલનમાં વધુ એક વખત આર્કિટેકટના હાથ બંધાઇ જવાના છે.

આમ તો રાજકોટમાં વર્ષોથી થતા નાના મોટા બાંધકામમાં વધારાના બાંધકામો, કમ્પલીશન બાદના બાંધકામો સહિતની અનિયમિતતા મોટા ભાગે બિલ્ડર અને આર્કિટેકટની સંમતિ અને ટીપી અધિકારીઓની સાંઠગાંઠથી જ થતી આવે છે. પરંતુ અગ્નિકાંડની ઘટના સર્જાતા ટીપી શાખાના ભ્રષ્ટાચારના ભાંડા ફૂટયા હતા. ઉંડી તપાસો થઇ હતી. એસીબી અને ઇડી સુધીની એજન્સીઓ સામેલ થઇ હતી.

હવે પૂર્વ કમિશનર દેવાંગ દેસાઇના સમયમાં બિલ્ડરોએ તૈયાર થઇ રહેલા અને થઇ ગયેલા બિલ્ડીંગને ફલાવર બેડ સાથે (પ્લાન બહાર) બી.યુ. આપી દેવા સતત રજુઆતો કરી હતી. પરંતુ અગ્નિકાંડ બાદ સરકારે સીધા રાજકોટમાં ખાસ કેસમાં મુકેલા દેવાંગ દેસાઇએ જીડીસીઆર બહાર કોઇ કાર્યવાહી નહીં થાય તેવું સ્પષ્ટ કહ્યું હતું.

પરંતુ રાજકોટની બિલ્ડર લોબીએ ગમે તે રીતે રસ્તો કાઢી લેશું તેવો ખોખારો પણ ખાધો હતો. આથી કોઇપણ ખોટા દબાણ સામે સરકારમાં વાત પહોંચાડી દેવાની પણ સાચી વાત કરી દેવા દેવાંગ દેસાઇએ આ મામલે સરકાર પાસે અભિપ્રાય માંગતા મામલો ઉપર પહોંચી ગયો હતો. અંતે બિલ્ડરથી માંડી રાજકીય લોબી ગાંધીનગરના ધકકા ખાતી થઇ ગઇ હતી.

સરકાર પણ નિયમોથી વિરૂધ્ધ અભિપ્રાય ન આપે તે સૌને માલુમ પડી જતા કરોડોના પ્રોજેકટના પાયા ધ્રુજવા લાગ્યા હતા. સરકારે ધારણા મુજબ નિયમોની અમલવારી માટેનો જ અભિપ્રાય મોકલતા નિયમ ઉપરાંત આવી ગયેલા અભિપ્રાયથી આવા કમ્પલીશન નહીં આપવાની વાતને મ્હોર લાગી ગઇ હતી. સરકારમાં સતત રજુઆતો ચાલતી હતી. હજારો ફલેટ અને પરિવારો હેરાન થતા હોવાની રજુઆતો કરાતી હતી. અંતે જે એક માત્ર મહાનગર રાજકોટમાં જ પ્લાન બહાર ફલાવર બેડ મુકવાના નિયમભંગનો રહેમરાહે રસ્તો કાઢવા વિચારણા થઇ હતી. હવે શરતોને આધીન આવી છુટછાટ આવી છે.

આવા કેસમાં વધારાનું બાંધકામ મળવાપાત્ર કુલ એફએસઆઇની મર્યાદામાં હોય તો વધારાના બાંધકામને પેઇડ એફએસઆઇ તરીકે ગણીને ભરવાપાત્ર રકમના બે ગણી ફી ભરવાની થશે. જો એફએસઆઇથી વધી જતું હોય તો ખુલ્લી જમીનની જંત્રીના 100 ટકા રકમ વસુલ કરવાની થશે. ભવિષ્યમાં ડેવલપર અને આર્કિટેકટ સીજીડીસીઆર ર017ની જોગવાઇથી વિપરીત કામગીરી નહીં કરે તેવી બાંહેધરી સત્તામંડળ દ્વારા મેળવવાની રહેશે.

આ રીતે હાલના અંદાજ મુજબ પ્રતિ ફલેટ રૂા. 25 થી 30 હજારની સરેરાશમાં દંડ ભરવાનો થાય તેવું પ્રાથમિક તારણ છે. જોકે હજુ સોમવારથી આર્કિટેકટ સંપૂર્ણ બાંધકામો સાથેના પ્લાન મુકે ત્યારે ખરો અંદાજ આવશે કારણ કે સરકારે પ્રોજેકશનના બાંધકામમાં મહતમ 0.60 મીટરનું બાંધકામ માન્ય ગણ્યું છે.

રાજકોટમાં આમ તો આવા હજારો ફલેટ વેઇટીંગમાં હોવાની રજુઆતો થતી હતી. પરંતુ સંખ્યાબંધ ફલેટના દસ્તાવેજ પણ થઇ ચુકયા છે. આથી હવે પ્લાન કોણ મંજૂર કરાવે તેવો પ્રશ્ન અમુક કેસમાં થશે. ગ્રાહકોને તો વાસ્તવમાં કોઇ ફર્ક પડતો નથી. પરંતુ દંડની ફીનો તફાવત અલગથી ઘણા લોકો ગણવા મંડયા છે.

વધુમાં ફલાવર બેડ ફ્રીમાં રાખવાની પ્રથા અમદાવાદ, સુરતમાં નથી એટલે કે રાજકોટમાં ગેરકાયદે જ થયું છે તેવું કાગળ ઉપર પણ સાબિત થયું છે. આથી સરકાર કે ભાજપના કોઇ મંત્રી, પદાધિકારી કે નેતાઓએ જશ લેવા પ્રયત્ન કર્યો નથી. પૂર્વ કમિશનરની તમામ વાત સાચી સાબિત થઇ છે. વર્તમાન કમિશનરે પણ સરકાર હુકમ ન કરે ત્યાં સુધી જુના કમ્પલીશન ઇસ્યુ ન કરવાનું વલણ યથાવત રાખ્યું હતું.

ખરેખર તો ત્રણ અઠવાડિયામાં કમ્લીશન મળવાપાત્ર છે કે નહીં તેનો જવાબ ટીપી શાખાએ આપી દેવાનો હોય છે. પરંતુ મહિનાઓ સુધી અધિકારીઓ શા માટે રાહ જોવાની પરંપરા નિભાવતા હતા તે સવાલનો જવાબ કોઇ પાસે નથી. વળી હજુ ઘણા પ્રોજેકટમાં આ રીતે સ્ટેન્ડીંગ બાલ્કની બનતી હોવાની પણ ચર્ચા છે.

ગ્રાહકો કોર્પો.થી માંડી રેરામાં ફરિયાદ કરી શકે છે. પરંતુ કમ્લીશન બાદ આર્કિટેકટ અને બિલ્ડર જવાબદારીમાંથી છટકી જાય છે. તો તગડો પગાર લેતા ટીપી અધિકારીઓ કમ્લીશન બાદ ગેરકાયદે બાંધકામ સામે કેમ આંખો બંધ કરી દે છે તે સૌ જાણે છે. અનેક કેસમાં આવું ‘માર્ગદર્શન’ આપવાની ફી પણ બાંધેલી છે.

કોર્પો.માં હાલત એવી છે કે બદલી પામેલા ટીપીઓ લાંબા સમયથી રાજકોટમાં રહેવું નથી તેવું કહેતા હતા. નવા અધિકારીને હજુ સતાવાર ચાર્જ સોંપાયો ન હોય, તેઓની નેમ પ્લેટ હજુ યથાવત છે. આથી હવે મનપામાં ફરી ટીપી શાખાની ગાડી કયારે પાટે ચડશે તે સવાલ છે. કારણ કે કાયમી ટીપીઓની જગ્યા અગ્નિકાંડ બાદ ખાલી જ છે.

હવે આ પ્રશ્ન ઉકેલાઇ ગયો છે ત્યારે પ્લાન પાસના દિવસો, કમ્પલીશનની નિયમ મુજબની મુદતમાં વ્હાલાદવલાના ધંધા પણ બંધ કરવામાં આવે તે જરૂરી હોવાનો મત છે. અન્યથા એક નહીં તો બીજો સડો યથાવત જ રહેશે તે નકકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *