રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ છે. અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે પણ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી રાજ્યમાં મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી કરી છે. આ સમય દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.
આગામી 6 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની માહિતી પ્રમાણે, રાજ્યમાં આગામી 6 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે 6 દિવસ માટે આગાહી છે.
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર, 1 નવેમ્બરે ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી લઈ ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.
અમરેલી જિલ્લામાં ફરી એક વખત વરસાદી માહોલ
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લામાં ફરી બરબાદીનો વરસાદ શરુ થયો છે. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજુલા, ખાંભા, જાફરાબાદ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જાફરાબાદના કાંઠા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદના વડલી, વઢેરા, ચિત્રાસર, ભાડા ગામમાં વરસાદ વરસ્યો છે. ટીંબી ગામની સ્થાનિક નદી બે કાંઠે થઈ છે. રાજુલાના ડુંગર, માંડળ, ડુંગરપરડા ગામમાં પણ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી મોટુ નુકસાન
ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતના ખેડૂતો બરબાદ થઇ ગયા છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયુ છે. છેલ્લા અઠવાડિયાથી માવઠુ થઈ રહ્યું છે. જેમાં રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને નુકસાન થયુ છે.
તાજા અપડેટ પ્રમાણે, આ માવઠાથી ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યુ છે. જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, સોયાબીનના પાકને મોટુ નુકસાન થયુ છે. આ પાક નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ પણ સોંપી દીધો છે. હવે સાત દિવસમાં પાક નુકસાનનો સર્વે કરવા આદેશ અપાયો છે. મહત્વનું છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સૌથી વધુ નુકસાનીના આંકડા મળ્યા છે. સર્વેના આધારે રાજ્ય સરકાર સહાય ચૂકવશે.