આજે વુમન્સ વર્લ્ડ કપમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે, ત્યારે સમગ્ર દેશની નજર આ મેચ પર ટકેલી છે. કરોડો ક્રિકેટ ચાહકો ટીમ ઈન્ડિયાની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે, ત્યારે સુરતના બે હીરા ઉદ્યોગપતિઓએ મહિલા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા માટે એક મોટી અને અનોખી જાહેરાત કરી છે.
શ્રી રામ ક્રિષ્ના ડાયમંડ કંપનીના માલિક ગોવિંદ ધોળકીયા અને જયંતીભાઈ નારોલા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, જો ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ICC મહિલા વર્લ્ડ કપની આ ફાઇનલ મેચ જીતશે, તો ટીમના દરેક સભ્યને બે ખાસ ભેટ આપવામાં આવશે.
બે ભેટ, બેવડું સન્માન: ડાયમંડ જ્વેલરી અને સોલાર પેનલ
ઉદ્યોગપતિઓ દ્વારા મહિલા ખેલાડીઓ માટે જાહેર કરાયેલી બે ભેટો નીચે મુજબ છે. મૂલ્યવાન નેચરલ ડાયમંડ જ્વેલરી: ટીમના દરેક મહિલા ક્રિકેટરને તેમની સિદ્ધિના સન્માન સ્વરૂપે કુદરતી હીરાના દાગીના (Diamond Jewellery) ભેટ કરવામાં આવશે. રૂફટોપ સોલાર પેનલ્સ: ક્રિકેટરોને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રદાન કરવાના ઉદ્દેશથી, ભારતીય ટીમની દરેક મહિલા ક્રિકેટરના ઘરે રૂફટોપ સોલર પેનલ્સ લગાવી આપવામાં આવશે. આ જાહેરાત ખેલાડીઓના મનોબળને વધારવા અને તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો એક સરાહનીય અને અનોખો પ્રયાસ છે.
BCCIને સત્તાવાર પત્ર દ્વારા જાણ
આ જાહેરાત અંગે ગોવિંદ ધોળકિયાએ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાને સત્તાવાર પત્ર લખીને જાણ કરી છે. આ પત્રમાં તેમણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને તેમની શુભકામનાઓ પણ પાઠવી છે. આ ભેટ દ્વારા ઉદ્યોગપતિઓએ મહિલા ખેલાડીઓ પ્રત્યેનું પોતાનું ઊંડું સન્માન વ્યક્ત કર્યું છે.
ગુજરાતના હીરા ઉદ્યોગપતિઓ દ્વારા અગાઉ પણ રમતગમતના ખેલાડીઓને આવી પ્રોત્સાહક ભેટો આપવામાં આવી છે. તેઓ હંમેશાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે તત્પર રહે છે. આ જાહેરાત બાદ સમગ્ર દેશમાં ભારતીય મહિલા ટીમના વિજય માટે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવે ખેલાડીઓ ફક્ત દેશ માટે જ નહીં, પણ આ અનોખી ભેટ મેળવવા માટે પણ પ્રેરિત થશે.