રાજસ્થાનની રાજધાની જયપુરમાં સ્થિત નીરજા મોદી સ્કૂલની એક વિદ્યાર્થિનીએ શનિવારે આપઘાત કર્યો છે. વિદ્યાર્થિનીએ સ્કૂલમાં છઠ્ઠા માળેથી કૂદી પોતાનો જીવ આપી દીધો છે. નોંધનીય છે કે આવી ઘટના તાજેતરમાં બની હતી, જ્યાં પણ એક છાત્રાએ સ્કૂલના ચોથા માળેથી કૂદી આપઘાત કર્યો હતો. જયપુર પોલીસની ટીમ આ ઘટનાની તપાસ કરી રહી છે. આ વચ્ચે વિદ્યાર્થિની છઠ્ઠા માળેથી આપઘાત કરે છે તેનો વીડિયો પણ સામે આવ્યો છે.
વીડિયોમાં વિદ્યાર્થિનીને રેલિંગ પાર કરી છઠ્ઠા માળેથી કૂદતી જોઈ શકાય છે. હાલ પોલીસ આપઘાત પાછળના કારણોની તપાસ કરી રહી છે.
તપાસ હેઠળ શાળા સંચાલન
આ દરમિયાન, શાળા સંચાલન પર પુરાવા સાથે છેડછાડ કરવાનો પણ આરોપ છે. પ્રત્યક્ષદર્શીઓ અને પ્રારંભિક અહેવાલો અનુસાર, પોલીસ આવે તે પહેલાં શાળા વહીવટીતંત્રે છોકરી જ્યાં પડી હતી તે વિસ્તાર સાફ કરી દીધો હતો. સાક્ષીઓનું કહેવું છે કે તેઓએ પાણીથી લોહીના ડાઘ સાફ કરી દીધા હતા, જોકે હળવા ડાઘ હજુ પણ દેખાતા હતા. આ સફાઈથી પુરાવાના નાશની ગંભીર શંકા ઉભી થઈ છે. પ્રારંભિક માહિતી અનુસાર, છોકરીએ શાળાના સમય દરમિયાન છત પરથી કૂદી પડી હતી. કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓનો દાવો છે કે તેણી શિક્ષકોના દબાણ હેઠળ હતી, જોકે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી.