PM મોદી ફરી આવશે ગુજરાત, 15 દિવસમાં બીજી વખત લેશે મુલાકાત

Spread the love

 

ગાંધીનગર, તા. 3 નવેમ્બર, 2025:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 નવેમ્બર, 2025 ના રોજ ગુજરાતના ડેડિયાપાડાની મુલાકાત લેશે. આ મુલાકાત રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ ‘આદિવાસી ગૌરવ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે યોજાશે. પ્રધાનમંત્રી મોદી આ દિવસે મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેશે. કેન્દ્ર સરકારે બિરસા મુંડા ની જન્મજયંતિને ‘આદિવાસી ગૌરવ દિવસ’ તરીકે જાહેર કરી છે.

PM મોદી આ દિવસે ડેડિયાપાડામાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે અને દેશભરમાં થનારી 150મી જન્મજયંતિની ઉજવણીનો પ્રારંભ કરાવશે. આ ઉજવણી થકી આદિવાસી સમુદાયના યોગદાન અને સંસ્કૃતિને રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ ત્યાંથી હેલિકોપ્ટર મારફતે સીધા ડેડિયાપાડા પહોંચશે. તેઓ કાર્યક્રમમાં આદિવાસી સમુદાયના લોકોને સંબોધિત કરશે અને વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અથવા લોકાર્પણ કરે તેવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 દિવસમાં પ્રધાનમંત્રી મોદીની આ બીજી ગુજરાત મુલાકાત છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે PM મોદીની આ ઉપરા-ઉપરી મુલાકાતોને રાજકીય રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મુલાકાત દ્વારા તેઓ આદિવાસી વિસ્તારોમાં વિકાસની ગતિને વેગ આપશે અને આદિવાસી ગૌરવની ભાવનાને વધુ મજબૂત કરશે. પીએમ મોદી એકતા દિવસની ઉજવણી માટે 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *