
ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલ ટ્યુશન ક્લાસીસ અધિનિયમ સામે આજે બરોડા એકેડેમિક એસોસિએશન દ્વારા તીવ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. એસોસિએશનના પ્રતિનિધિઓએ વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગણી કરી હતી કે આ અધિનિયમમાં તાત્કાલિક સુધારા કરવામાં આવે, કારણ કે હાલના નિયમો શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ બંને માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. એસોસિએશનના પ્રમુખ વિપુલ જોશીએ જણાવ્યું કે, ગુજરાત સરકારે ટ્યુશન ક્લાસીસ માટે જે નવો અધિનિયમ લાવ્યો છે, તે વડોદરાના હજારો શિક્ષકો માટે સંકટ સર્જી શકે છે. શહેરમાં લગભગ 70 ટકા ટ્યુશન ક્લાસ બંધ થવાની અને 10 હજારથી વધુ શિક્ષકો બેરોજગાર થવાની શક્યતા છે. વિપુલ જોશીએ વધુમાં કહ્યું કે, 16 વર્ષથી નીચેના બાળકોને ટ્યુશનમાં ન મોકલવાનો નિયમ સંપૂર્ણ ખોટો છે. આથી વિદ્યાર્થીઓનું ભણતર ખોરવાશે. આજના સમયમાં સિલેબસ બહુ વિશાળ છે અને સ્કૂલોમાં તે સંપૂર્ણ રીતે પૂરું કરવું મુશ્કેલ છે. તેથી જ વિદ્યાર્થીઓને વધારાના માર્ગદર્શનની જરૂર પડે છે.
એસોસિએશનના સભ્યોએ દલીલ કરી હતી કે ભૂતકાળમાં સિલેબસ સરળ હતો, પરંતુ હવે ટેક્નોલોજી સાથે નવા વિષયો ઉમેરાતા વિદ્યાર્થીઓને વધારાની તૈયારીની જરૂર છે. સરકાર સતત નવો સિલેબસ ઉમેરે છે, સ્કૂલના શિક્ષકો પર પણ સરકારી કામગીરીનો બોજ હોય છે, જેથી વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન મળી શકતું નથી. આવી સ્થિતિમાં ટ્યુશન ક્લાસિસ જરૂરી બની જાય છે એમ તેમણે કહ્યું. એસોસિએશનએ અંતે સરકારને અપીલ કરી હતી કે, ટ્યુશન ક્લાસીસ અધિનિયમમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા, ફી મર્યાદા અને 16 વર્ષથી નીચેના વિધાર્થીઓ માટેના નિયમોમાં યોગ્ય સુધારા કરીને શિક્ષણપ્રણાલીને સંતુલિત બનાવે. બરોડા એકેડેમિક એસોસિએશનના પ્રમુખ વિપુલ જોશીએ કહ્યું,”અમે સરકારને વિનંતી કરીએ છીએ કે શિક્ષણ અને રોજગાર બંનેનું રક્ષણ થાય તેવી નીતિ ઘડે”