
બોટાદ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે એક મોટી કાર્યવાહી કરીને કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ આચરતી એક આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે. બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ મીડિયાને આ અંગેની માહિતી આપી હતી. પોલીસે અલીરાજા શબ્બીર અલી નામના શખ્સની ધરપકડ કરી છે. જે બોટાદ જિલ્લાના ગઢડા શહેરનો રહેવાસી છે. અલીરાજા શબ્બીર અલી આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનું તપાસમાં ખુલ્યું છે. કરોડોના સાયબર ફ્રોડ ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો
સાયબર ક્રાઇમ પોલીસે જ્યારે આરોપીના બેંક એકાઉન્ટની ઝીણવટભરી તપાસ કરી ત્યારે પોલીસને ચોંકાવનારો ખુલાસો થયો હતો. તપાસમાં સામે આવ્યું કે આરોપીના ખાતામાં અત્યાર સુધીમાં કુલ રૂ.43 કરોડ અને 60 લાખ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો થયા હતા. આરોપી અલીરાજા લોકોને છેતરવા માટે ફેક એપ્લિકેશનો બનાવતો હતો અને તેના દ્વારા રોકાણ અથવા લોભામણી સ્કીમ્સ આપીને સામાન્ય જનતા સાથે ફ્રોડ કરતો હતો. આ સમગ્ર ગેંગ વિરુદ્ધ ભારત સરકારના NCRP પર લગભગ પાંચ જેટલી ફરિયાદો નોંધાઈ છે. પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું છે કે અલીરાજા શબ્બીર અલી આ ગેંગમાં અન્ય ત્રણ જેટલા શખ્સો સાથે મળીને કામ કરતો હતો. પોલીસે મુખ્ય આરોપીને ઝડપી લીધો છે. જ્યારે અન્ય ત્રણ ફરાર આરોપીઓને પકડવા માટે સઘન શોધખોળ હાથ ધરી છે.