
બૂથ લેવલ ઑફિસર (BLO)ને કામગીરીમાં પડતી મુશ્કેલીઓ તથા આ કામગીરી અન્વયે શિક્ષકોના ધરપકડ વૉરંટ ઇસ્યૂ કરવાની પ્રથા બંધ કરવા માટે શૈક્ષિક મહાસંઘે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. કોઈ કારણોસર શિક્ષક હાજર ન રહી શકે તો તેની સામે ગુલામો જેવી વોરંટ ઈશ્યૂ કરવાની પ્રથા બંધ કરવા ઉપરાંત BLOની કામગીરી માટે સ્પેશિયલ કેડર ઊભી કરવા તથા નિયમ પ્રમાણે 12 કેડરમાંથી કામગીરી આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે.
ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)નું સમયપત્રક જાહેર કર્યું છે. જેમાં બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે. આ કામગીરી શાળા સમય બાદ કરવી કઠિન અને મુશ્કેલ હોય છે. કોઈ કારણસર કામ પૂર્ણ ન થાય અથવા વેકેશન, અંગત કે કોઈ અન્ય કારણસર BLO કર્મચારી જે તે કચેરીમાં આવી ના શકે તેવા સંજોગોમાં કચેરી દ્વારા ગુનેગાર હોય તેમ વોરંટ ઇસ્યૂ કરવામાં આવે છે. ફિલ્ડની કામગીરીમાં વધુ સમય લાગે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની લેખિત પત્ર કરી જાણ કરવામાં આવે છે. જેથી વર્તમાન સ્થિતિને અનુરૂપ વિવિધ બિંદુઓ પર વિચારણા કરી આ અંગે નિર્ણય લેવાય તે માટે શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.
શૈક્ષિક મહાસંઘ દ્વારા કરાયેલી રજૂઆત અનુસાર, કોઈ કર્મચારી કોઈ ખાસ કારણસર મીટિંગમાં હાજર ન રહી શકે તો અધિકારી દ્વારા ધરપકડ વોરંટ ઈશ્યૂ કરવાની પદ્ધતિ જૂના જમાનાની ગુલામ પ્રથા જેવું પ્રતિત થાય છે. શિક્ષક સિવાય અન્ય કોઈ કર્મચારી દ્વારા આવી ભૂલ થાય તો ક્યારેય આવા ધરપકડ વોરંટ કર્યા હોય તેવું ધ્યાનમાં નથી. શિક્ષકોનું સમાજમાં સન્માન જળવાઈ રહે તે માટે આવી પ્રથા રદ કરવી જરૂરી છે. BLOના ઓર્ડર વિવિધ સરકારી તેમજ અર્ધસરકારી કર્મચારીઓની 12 કેડરમાં સમાન રીતે ફાળવવા માટે કેન્દ્રીય ચૂંટણી આયોગ દ્વારા લેખિત સૂચના થયેલી છે. આમ છતાં કુલ BLOની જગ્યાના 90 ટકાથી વધુ શિક્ષકોની કામગીરીમાં છે.
શિક્ષક કામગીરી ન કરી શકે તેમ હોય તો તેનું યોગ્ય કારણ જાણી તેમને ખુલાસાની તક આપવી જોઈએ. ઘણી વખતે એવું બને છે કે શાળામાં વેકેશન હોય શાળામાં વેકેશન પહેલા કોઈ સૂચના ન હોય વેકેશન ખૂલવાનું હોય તે વખતે સીધી સૂચના આપવામાં આવે. કોઈ સામાજિક પ્રસંગ હોય શિક્ષક પ્રવાસમાં ગયેલા હોય કે અન્ય કામગીરીમાં રોકાયેલા હોય તો તાત્કાલિક આ કામગીરી સંભાળી લેવી ઘણા વખતે શક્ય બનતું નથી.
જો આ જ પ્રમાણે વોરંટ ઇસ્યૂ કરવામાં આવશે અથવા બાળકના શિક્ષણના ભોગે કામગીરી કરાવવામાં આવશે તો સંગઠન આવનાર સમયમાં યોજાનારી રાજ્ય બેઠકમાં આ અંગે ચર્ચા કરી નિર્ણય લેશે. સંગઠને મુખ્યમંત્રી સમક્ષ માગણી કરી હતી કે, બીએલઓની ફરજ પરના શિક્ષકો માટે વોરંટ પ્રથા રદ કરવામાં આવે, BLOની કામગીરી માટે એક સ્પેશિયલ કેડર ઊભી કરવામાં આવે, નિયમ પ્રમાણે તમામ 12 બાર જેટલા કેડરમાંથી BLOની કામગીરી આપવામાં આવવી જોઈએ.