સોનલ અનડકટ, ગાંધીનગર પ્રદેશ ભાજપ અધ્યક્ષ બન્યા બાદ સતત પ્રવાસ કરી રહેલા નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમની પ્રદેશની નવી ટીમ ક્યારે જાહેર કરશે તેના તરફ સૌની મીટ મંડાયેલી છે. જોકે બિહારની ચૂંટણી પૂર્ણ થયા બાદ 14 નવેમ્બર પછી પ્રદેશનું નવું માળખું જાહેર થાય તેવી સંભાવના છે.
અંબાજી મંદિરે દર્શન કરી સૌપ્રથમ પ્રવાસનો પ્રારંભ કરનાર જગદીશ વિશ્વકર્માએ પહેલા ઝોન વાઈસ પ્રવાસ કર્યા બાદ હવે જિલ્લા વાઈસ સતત પ્રવાસ કરી રહ્યા છે. પ્રદેશ ભાજપ તરફથી હોદેદારોની પસંદગીમાં ચૂંટણી પ્રક્રિયા ને અનુસરવાનો નિર્ણય કરાયો છે ત્યારે ખુદ પ્રદેશ અધ્યક્ષ ની નિમણૂક પહેલા પણ ચૂંટણી પ્રક્રિયાને અનુસરવામાં આવી હતી. હાલ જિલ્લાઓમાં નવા માળખાની રચના માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. જે અંતર્ગત નિરીક્ષકો વિવિધ જિલ્લાઓમાં જઈ હોદ્દેદારોના નામની પસંદગી સંદર્ભમાં સેન્સ પ્રક્રિયા કરી રહ્યા છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ત્રણ ત્રણ નામોની પેનલ તૈયાર કરી પ્રદેશ ભાજપને સોંપી દેવાશે.
જોકે પ્રદેશ ભાજપના નવા હોદેદારો એટલે કે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષની નવી ટીમ ક્યારે જાહેર થશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. એક અનુમાન મુજબ બિહારમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ પ્રદેશ ગુજરાત ભાજપ ની નવી ટીમની જાહેરાત થાય તેવી સંભાવના છે. હાલ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ બિહાર ચૂંટણી પ્રચાર સહિતની કામગીરીમાં જોડાયેલા છે. બિહારમાં 14 નવેમ્બરના રોજ મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાતમાં પ્રદેશ ભાજપની નવી ટીમની જાહેરાત થાય તેવી શક્યતા હાલના તબક્કે જોવાઈ રહી છે.