અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત ટેરિફનું શસ્ત્ર ઉગામી શકે છે. પ્રમુખ ટ્રમ્પે દુનિયાના દેશો પર લગાવેલા જંગી ટેરિફનો દાયરો વધારવા માટે અમેરિકન કંપનીઓએ માગ કરી છે, જેને પગલે સ્ટીલ સાથે સંકળાયેલા 700 નવા ઉત્પાદનો પર ટ્રમ્પ ટેરિફ નાંખે તેવી સંભાવના છે. આ ટેરિફ નંખાશે તો સાઈકલથી લઈને ઘરોમાં વપરાતી બેકિંગ ટ્રે સહિતની અનેક વસ્તુઓ પર અસર થશે.
અમેરિકામાં ભારતની નિકાસ સતત ચોથા મહિને ઘટી છે ત્યારે નવા ટેરિફથી ભારતની મુશ્કેલીઓ વધી શકે છે.
અમેરિકન કંપનીઓએ કોમર્સ મંત્રાલયને સ્ટીલ સંબંધિત વધુ 700 ઉત્પાદનો પર ટેરિફ નાંખવાની માગ કરી છે. હાલ સ્ટીલના 407 ઉત્પાદનો પર વધારાનો ટેરિફ લાગુ છે. વર્તમાન યાદી ઓગસ્ટમાં જાહેર કરાઈ હતી, જેમાં ફર્નિચરના પાર્ટ્સ, ઈન્ડસ્ટ્રીયલ મશીનરી અને કૃષિ સાધનોનો સમાવેશ થાય છે.
મોટી કંપનીઓ કરી રહી છે ટિરફ વધારાની માગ
મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકામાં નાની કે મધ્યમ નહીં પરંતુ મોટી કંપનીઓએ પણ સ્ટીલના ઉત્પાદનો પર ટેરિફ નાંખવાની માગ કરી છે, જેમાં ઈન્ડિયાનાની સાયકલ બનાવતી કંપની ગાર્ડિયન બાઈક્સથી લઈને રેડ ગોલ્ડ અને ટ્રકો માટે સ્ટીલના પૈડા બનાવતી કંપનીઓ સુધીનો સમાવેશ થાય છે.
આ કંપનીઓનો દર્ક છે કે વિદેશી સામાનના પૂરના કારણે તેમના ઘરેલુ બજારને નુકસાન થઈ રહ્યું છે. ગાર્ડિનયન બાઈક્સે કોમર્સ મંત્રીને સ્પષ્ટ કહ્યું છે કે વર્ષ 2024માં 1.1 કરોડ સાયકલની આયાત વચ્ચે તેમનો ઉદ્યોગ ખતમ થઈ ગયો છે. તેમનો ઈશારો સ્પષ્ટ છે કે બહારથી આવતી સસ્તી સાઈકલોના કારણે અમેરિકન ઉત્પાદકોનું ટકી રહેવું મુશ્કેલ થઈ રહ્યું છે. એ જ રીતે રેડ ગોલ્ડ કંપનીએ ફરિયાદ કરી છે કે તેણે બ્રિટનથી આયાત થતા ટિન પ્લેટ સ્ટીલ પર 25% અને અન્ય દેશોમાંથી આવતા સ્ટીલ પર 50% વધુ ટેરિફ આપવો પડી રહ્યો છે, જેનાથી ઉત્પાદન ખર્ચ વધી ગયો છે. આ જ પ્રકારની ચિંતા અન્ય કંપનીઓએ પણ વ્યક્ત કરી છે. આ કંપનીઓ વિદેશી સ્પર્ધાથી બચવા માટે સરકાર પાસે આકરાં પગલાં લેવાની માગ કરી રહી છે.
પહેલાથી જ સ્ટીલ-એલ્યુમિનિયમ સાથે સંકળાયેલી વસ્તુઓ પર લગાવેલ છે ટેરિફ
ટ્રમ્પ સરકારે પહેલાથી જ સ્ટીલ અને એલ્યુમિનિયમ સાથે સંકળાયેલા 407 ઉત્પાદનો પર વધારાનો ટેરિફ નાંખેલો છે. આ વર્ષે ઓગસ્ટમાં ટ્રમ્પ સરકારે આ ટેરિફનો દાયરો વધારતા સ્ટીલ અને એલ્યુમિનિયમથી બનેલા અનેક ઉત્પાદનોનો પણ તેમાં સમાવેશ કરી લીધો હતો, જેના પર 50% સુધીના ટેરિફ લાગેલા છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ માત્ર વિદેશી કંપનીઓ જ નહીં તેમની પોતાની કંપનીઓ માટે પણ મુસિબત બન્યા છે ત્યારે નવા ઉત્પાદનોને ટેરિફની યાદીમાં સમાવવાની માગ ભારત અને ચીન જેવા દેશોની મુશ્કેલી વધારી શકે છે. ટ્રમ્પના ટેરિફના કારણે અમેરિકામાં ભારતની નિકાસમાં સતત ચોથા મહિને ઘટાડો નોંધાયો છે. બીજીબાજુ ચીનની અમેરિકામાં નિકાસ પણ 25% જેટલી ઘટી ગઈ છે.