
બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબકકામાં લાલુ યાદવ સહિત તેમના પરિવારને અદાલતે મોટી રાહત આપી છે. દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે સોમવારે બહુચર્ચીત લેન્ડ ફોર જોબ કૌભાંડમાં પુર્વ રેલ મંત્રી લાલુપ્રસાદ યાદવ, તેમના પત્ની રાબડીદેવી અને પુત્ર સહિત 14 આરોપીઓ સામે આરોપ નકકી કરવાનો આદેશ હાલ ટાળી દેવાયો છે. વિશેષ ન્યાયાધીશની અદાલતે આજે આ કેસમાં પુર્વ રેલમંત્રી લાલુપ્રસાદ યાદવ, તેમના પત્ની રાબડીદેવી, દીકરીઓ મીસા ભારતી, દીકરો તેજસ્વી યાદવ સહિત 14 આરોપીઓ સાથે જોડાયેલી દલીલો સાંભળી હતી.
આ દરમિયાન આરોપીઓ તરફથી વરિષ્ઠ વકીલોએ મામલાને ડિસ્ચાર્જ કરવાની માંગ કરી હતી. સીબીઆઈએ તેનો વિરોધ કર્યો હતો અને ડિસ્ચાર્જ અરજી ફગાવી દેવાનો અનુરોધ કર્યો હતો. જો કે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ તેનો ફેસલો 4 ડિસેમ્બર સુધી સુરક્ષિત રાખ્યો હતો. સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે લાલુએ રેલમંત્રી રહેતા ગરીબોને નોકરીના બદલામાં તેમની જમીન ખૂબજ સસ્તા દામોમાં જમીન લખાવી લીધી હતી.