
રોકાણકાર, ઉદ્યોગસાહસિક, નાણાકીય શિક્ષણના હિમાયતી અને `રિચ ડેડ પુઅર ડેડ’ પુસ્તકના લેખક રોબર્ટ કિયોસાકી સોશિયલ મીડિયા પર નિયમિતપણે રોકાણકારોને માર્ગદર્શન અને સલાહ આપતા રહે છે. તેમની પોસ્ટ્સમાં સોનું, ચાંદી અને બિટકોઈન જેવા રોકાણોનું મહત્ત્વ હંમેશા વધારે જોવા મળે છે. તાજેતરમાં, તેમણે ફરી એકવાર તેમની ડ પોસ્ટ દ્વારા એક સખત ચેતવણી આપી છે, જેમાં તેમણે બજારમાં મોટો ક્રેશ આવવાની આગાહી કરી છે. .
જોકે, આ ચેતવણી આપતાની સાથે જ તેમણે જણાવ્યું કે, `હું વર્ષ 1971થી જ સોનામાં રોકાણ કરી રહ્યો છું અને હાલમાં પણ તેને વેચવાને બદલે, વધુ ખરીદી કરવાનું ચાલુ રાખું છું.’ રોબર્ટ કિયોસાકીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, `ક્રેશ આવી રહ્યો છે અને હું સોનું વેચી નથી રહ્યો, પરંતુ ખરીદી રહ્યો છું. સોના માટે મારો લક્ષ્યાંક ભાવ 27,000 છે. આ લક્ષ્યાંક કિંમત મને મારા મિત્ર જિમ રિકાર્ડ્સ પાસેથી મળી છે અને મારી પાસે સોનાની બે ખાણો પણ છે.’ લેખકના મતે, તેમણે વર્ષ 1971માં સોનું ખરીદવાનું શરૂ કર્યું હતું, જે વર્ષે પ્રમુખ નિક્સને યુએસ ડોલરને ગોલ્ડ સ્ટાન્ડર્ડમાંથી હટાવ્યો હતો. રોબર્ટે કહ્યું કે, `નિક્સને ગ્રેશમનો નિયમ તોડ્યો હતો, જે જણાવે છે કે જ્યારે સિસ્ટમમાં ફેક ચલણ દાખલ થાય છે… ત્યારે અસલી ચલણ છુપાઈ જાય છે.’
કિયોસાકીએ વર્ષ 2026 માટે બિટકોઈન માટે પણ નવો લક્ષ્યાંક સેટ કર્યો છે, જે 2,50,000 છે. જ્યારે, ચાંદી માટે આ લક્ષ્યાંક 100 છે. તેમણે એથેરિયમ નામની અન્ય એક ક્રિપ્ટોકરન્સીમાં પણ રોકાણ કરવાની સલાહ આપી છે, જેના માટે તેમણે 60નો લક્ષ્યાંક આપ્યો છે.
ક્રેશની ચેતવણી આપવાની સાથે જ તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે,`દુર્ભાગ્યે, યુએસ ટ્રેઝરી અને ફેડ બંને નક્કી કરેલા નિયમો તોડે છે. તેઓ પોતાના બિલની ચૂકવણી કરવા માટે નકલી પૈસા છાપે છે. જો તમે અને હું એ જ કરીએ જે ફેડ અને ટ્રેઝરી કરી રહ્યા છે, તો પછી આપણે કાયદો તોડવા બદલ જેલમાં હોઈએ. હું પૈસા સાથે જોડાયેલા તમામ સિદ્ધાંતોમાં માનું છું અને ગ્રેશમ-મેટકાફના નિયમોનું પાલન કં છું.’
રોબર્ટ કિયોસાકીના મતે, આજે અમેરિકા પર મોટું દેવું છે અને યુએસએ ઇતિહાસનો સૌથી મોટો દેવાદાર દેશ બની ચૂક્યો છે. આ જ કારણ છે કે હું આ ચેતવણી આપી રહ્યો છું કે બચત કરનારા લોકો હારનારા સાબિત થશે. હું તો ગોલ્ડ, સિલ્વર, બિટકોઈન અને એથેરિયમ ખરીદતો જ રહું છું, ભલેને તે ક્રેશ થઈ જાય. ધ્યાન રાખો આગળ ઘણા બધા પૈસા આવવાના છે.’