બિહાર ચૂંટણી પૂર્ણ થતાં જ કોંગ્રેસને ઝટકો : પીઢ નેતા શકીલ અહેમદનું રાજીનામું

Spread the love

 

બિહાર વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી ડો. શકીલ અહમદે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલી આપ્યું અને જણાવ્યું કે તેમણે આ નિર્ણય “ભારે હૃદયે” લીધો છે. પોતાના રાજીનામા પત્રમાં ડો. શકીલ અહમદે એક ભાવુક વાત લખી, તેમણે કહ્યું, “હું આજે પણ કોંગ્રેસની વિચારધારા અને સિદ્ધાંતોમાં સંપૂર્ણ વિશ્વાસ રાખું છું. મારા રાજીનામાનો અર્થ એ નથી કે હું કોઈ અન્ય પાર્ટીમાં જોડાઈ રહ્યો છું… મારા જીવનનો છેલ્લો વોટ પણ કોંગ્રેસને જ જશે.”
ડો. શકીલ અહમદના આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ બિહાર કોંગ્રેસ એકમમાં ચાલી રહેલા આંતરિક મતભેદો અને રાજ્યના નેતૃત્વ પ્રત્યેનો અસંતોષ માનવામાં આવે છે. તેમના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા કેટલાક સમયથી સંગઠનમાં પોતાની સતત ઉપેક્ષાથી નારાજ હતા. બિહારના મધુબની સાથે સંબંધ ધરાવતા ડો. શકીલ અહમદ કોંગ્રેસના એક દિગ્ગજ નેતા રહ્યા છે. તેઓ ત્રણ વખત ધારાસભ્ય (1985-2004) અને બે વખત સાંસદ (1998, 2004) તરીકે ચૂંટાયા હતા. આ ઉપરાંત, તેઓ 2000 થી 2003 સુધી બિહાર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને બિહાર સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી તરીકે પણ સેવા આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *