
લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસમાં આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે, કારમાં બોનેટના સહારે વિસ્ફોટકોને બાંધવામાં આવ્યા હતા. તપાસમાં સીસીટીવી ફુટેજ એક પછી એક બહાર આવી રહ્યા છે. આથી એ સ્પષ્ટ થાય છે કે, કાર જયારે બદરપુરથી દિલ્હીમાં એન્ટ્રી લે છે તો તેનું બોનેટ સહી સલામત હતું. જ્યારે કાર સોનેરી મસ્જીદ પાસેના પાર્કીંગથી નીકળી તો બોનેટ બરાબર બંધ નહોતું અને તેને એક દોરડાથી બાંધવામાં આવ્યું હતું. આથી એ શંકા વ્યક્ત કરાઈ રહી છે કે, બોનેટમાં વિસ્ફોટક રાખવામાં આવ્યો હતો, જેનો ધમાકો થયો હતો. જયારે વિશેષજ્ઞોનું એમ પણ કહેવું છે કે, પુરી રીતે આ વિસ્ફોટક તૈયાર નહી થયો હોય, નહીં તો વધુ નુકસાન થયું હોત. હાલ તો ફોરેન્સીક ટીમે ઘટનાસ્થળે આસપાસથી મંગળવારે અનેક સેમ્પલ એકત્ર કર્યા છે અને આ વિસ્ફોટક માટે કયા કયા સામાનનો ઉપયોગ કરાયો હતો, તેને લઈને તપાસમાં ટીમ લાગી છે.
એ પણ તપાસ થઈ રહી છે કે, આ વિસ્ફોટક આખરે બોનટમાં રખાયો તો કયાંથી રખાયો. કયાંક એવું તો નથી ને કે કારમાં વિસ્ફોટકનો સામાન હતો જેને પાર્કીંગમાં આવીને ઉતાવળમાં એસેમ્બલ કરાયો હોય પછી બોનટમાં રાખી દેવાયો હોય, તેની પણ તપાસ થઈ રહી છે તેના આધારે એ પણ આશંકા વ્યક્ત થઈ રહી છે. આ બોમ્બ બરાબર એસેમ્બલ નહીં થઈ શકયો હોય, જેના કારણે પુરી રીતે તૈયાર નહોતો થઈ શકયો, નહી તો તેણે વધુ મોટી તબાહી મચાવી હોત. સાથે સાથે કારની પાછલી સીટમાં અત્યધિક વજન રાખવામાં આવ્યું હતું. જેમાં લોખંડનો ભંગાર હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિસ્ફોટ બાદ દુર દુર સુધી નાના-નાના લોખંડના ટુકડા પડયા છે. આથી તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે પાછલી સીટમાં વિસ્ફોટક સાથે લોખંડનો ભંગાર વગેરે રખાયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે કારચાલક કોનોટ પ્લેસ, સંસદ માર્ગ, કમલા માર્કો અને દરિયાગંજમાં ફરતો રહ્યો. ત્યારબાદ દરિયાગંજ થઈને કાર પાર્કીંગમાં આવીને લગભગ 3 કલાક સુધી ઉભી રહી, તેને દિલ્હીના બારામાં પુરી જાણકારી હતી.