
ગાંધીનગર જિલ્લાના છત્રાલ વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની ટીમ પર ખનીજ માફીયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર બનાવ બન્યો હતો. બિનઅધિકૃત રીતે ખનીજ વહન કરતા એક ડમ્પર સામે કાર્યવાહી હાથ ધરી તે ડમ્પરને કબ્જે લઈને કલેકટર કચેરી તરફ લઈ જવામાં આવી રહ્યું હતું.તે દરમ્યાન ટીમ પર હુમલો થયો હતો. રસ્તામાં કલોલના આંબેડકર ત્રણ રસ્તા પાસે ઓવર બ્રિજ નજીક બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ દાદાગીરીપૂર્વક ખનીજ વિભાગની ટીમને ડમ્પર સાઈડ કરવા કહ્યું. આ દરમિયાન, કાળા કાચવાળી કારમાં આવેલા અન્ય શખ્સોએ ટીમને ઘેરી હુમલો કર્યો હતો. હુમલા બાદ આરોપીઓ ડમ્પર સાથે ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ કલોલ તાલુકા પોલીસે તરત જ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ સૂત્રો અનુસાર, ખનીજ માફીયાઓએ ખનીજ વિભાગની કામગીરીમાં અવરોધ ઊભો કરી કાયદાની અવહેલના કરી હતી.
હાલ ખનીજ વિભાગના અધિકારીઓની ફરિયાદના આધારે પોલીસે અજ્ઞાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાએ ફરી એક વાર ખનીજ માફીયાઓની હિંમત અને તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સત્તાવાળાઓની પડકારજનક પરિસ્થિતિને ઉઘાડી મૂકી છે. ભૂસ્તર શાસ્ત્રી પ્રણવ સિંહે જણાવ્યું હતું કે, આ ઘટનાના પગલે કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પરંતુ ભૂ માફિયાઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે આ ઘટનામાં સામેલ તમામ વાહનોને બ્લેકલિસ્ટ કરવા માટે ગાંધીનગર આરટીઓ કચેરીમાં પણ પત્ર લખીને જાણ કરી દેવામાં આવી છે. આ વાહનો બ્લેકલિસ્ટ થવાથી ખનીજમાફિયાઓ ભવિષ્યમાં વાહન વેચી કે ટ્રાન્સફર નહીં કરી શકે તેમજ તેમનો ઈન્શ્યોરન્સ પણ ક્લેઈમ નહીં થઈ શકે.