દિલ્હી બોમ્બ વિસ્ફોટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ભૂટાનમાં એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે હુમલાના ગુનેગારોને છોડવામાં આવશે નહીં. એક પણ આરોપીને છોડવામાં આવશે નહીં. વડાપ્રધાને સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ કરવાની પણ વાત કરી હતી.
પીએમ નરેન્દ્ર મોદીએ ભૂટાનમાં કહ્યું, “હું આજે ખૂબ જ ભારે મન સાથે અહીં આવ્યો છું. ગઈકાલે સાંજે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ બધાને દુઃખી કર્યા છે. હું અસરગ્રસ્ત પરિવારોનું દુઃખ સમજું છું. આજે, આખો દેશ તેમની સાથે ઉભો છે. હું આખી રાત આ ઘટનાની તપાસમાં સામેલ તમામ એજન્સીઓ, તમામ મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્કમાં હતો. તે બધા સાથે ચર્ચા ચાલી રહી હતી. માહિતી એકઠી કરવામાં આવી રહી છે. અમારી એજન્સીઓ આ ષડયંત્રના તળિયે પહોંચશે. તેની પાછળના કાવતરાખોરોને છોડવામાં આવશે નહીં.”
PM મોદીએ કહ્યું, “આજનો દિવસ ભૂટાન માટે ભૂટાનના રાજવી પરિવાર માટે અને વિશ્વ શાંતિમાં માનનારા બધા લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. સદીઓથી ભારત અને ભૂટાન વચ્ચેના સંબંધો ખૂબ જ ઊંડા, સૌહાર્દપૂર્ણ અને સાંસ્કૃતિક રહ્યા છે. તેથી, આ મહત્વપૂર્ણ પ્રસંગે ભાગ લેવાની ભારત અને મારી પ્રતિબદ્ધતા હતી.”