ગુજરાતમાં રાજકીય દાનના નામે ટેક્સચોરી કરીને કાળું નાણું ધોળું કરનારાઓ વિરુદ્ધ આવકવેરા વિભાગ (IT) દ્વારા એક મોટી અને વ્યાપક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થોડા મહિના પૂર્વે દાન આપનારાઓ પર દરોડા પડ્યા બાદ હવે IT વિભાગે દાન લેનારા ‘નાના રાજકીય પક્ષો’ ને નિશાન બનાવ્યા છે. અમદાવાદ સહિત ગુજરાતમાં 24થી વધુ સ્થળોએ આવકવેરા વિભાગે તવાઈ બોલાવી છે.
ગાંધીનગરમાં સંજય ગજેરા નિશાન પર
આ દરોડાઓમાં સૌથી મોટું નામ ગાંધીનગરમાં ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય વિઠ્ઠલભાઈ ગજેરાનું સામે આવ્યું છે. આજે (12 નવેમ્બર) વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે ITની ટીમો સંજય ગજેરાના ઘર અને ઓફિસ સહિત ત્રણ સ્થળોએ ત્રાટકી હતી. સેક્ટર 26, કિસાનનગર સ્થિત તેમના ઘરે હથિયારધારી પોલીસ જવાનોની સુરક્ષા વચ્ચે સર્ચ ઓપરેશન ચાલુ છે. સેક્ટર 11માં આવેલી મેઘ મલ્હાર ઓફિસ પર પણ ITની ટીમ તપાસ કરી રહી છે. તેમના ડ્રાઇવરના ગ્રીનિસિટી ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે.
દસ્તાવેજોની સઘન ચકાસણી
ITની ટીમો દ્વારા સંજય ગજેરાના ઘરે અને ઓફિસમાં દસ્તાવેજો, સ્થાવર અને જંગમ મિલકત સહિતના મહત્ત્વપૂર્ણ પુરાવાઓની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે.