
ન્યૂયોર્ક શહેરના એક પ્રખ્યાત રિયલ એસ્ટેટ અબજોપતિ બેરી સ્ટર્નલિચ્ટે ચિંતા વ્યક્ત કરી છે કે મમદાનીના નેતૃત્વમાં શહેરની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. CNBC ન્યૂઝ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ન્યૂયોર્ક મુંબઈ જેવું બની શકે છે. મમદાનીએ તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણા મોટા વચનો આપ્યા હતા, જેમાં ઘરના ભાડા ફ્રીઝ કરવા, શહેરમાં મફત બસ સેવા શરૂ કરવા અને નાના બાળકો માટે મફત બાળ સંભાળ પૂરી પાડવાનો સમાવેશ થાય છે. સ્ટર્નલિચ્ટ માને છે કે ભાડા સ્થગિત કરવાથી અને ભાડૂતોને વધુ છૂટ આપવાથી મકાનમાલિકોની સ્થિતિ વધુ ખરાબ થશે. તેમણે કહ્યું, ‘જો એક ભાડૂત ભાડું નથી ચૂકવતો અને તેને કાઢી નથી શકાતો, તો બીજા પણ નહીં આપે. ધીમે ધીમે, આખી સિસ્ટમ પડી ભાંગશે અને ન્યૂયોર્ક મુંબઈ જેવું બની જશે.’
સ્ટારવુડ કેપિટલ ગ્રુપના CEO સ્ટર્નલિચ્ટે જણાવ્યું હતું કે ન્યૂયોર્કમાં રિયલ એસ્ટેટના ખર્ચ પહેલાથી જ ખૂબ ઊંચા છે, મજૂર સંગઠનો તેનું એક મુખ્ય કારણ છે. આ સંગઠનો કોઈપણ પ્રોજેક્ટની કિંમતમાં વધારો કરે છે અને સામાન્ય લોકો માટે ઘર બનાવવાનું કે ખરીદવાનું મુશ્કેલ બનાવે છે. તેમણે કહ્યું, ‘ન્યૂયોર્કમાં દરેક પ્રોજેક્ટ યુનિયન સાથે કરવો પડે છે, જેના કારણે ખર્ચમાં નોંધપાત્ર વધારો થાય છે. આ જ કારણ છે કે અહીં ઘરો ખૂબ મોંઘા છે.’ તેમણે એમ પણ કહ્યું કે મમદાની શહેરમાં વધુ આવાસો બનાવવાની જરૂરિયાત જેવા યોગ્ય મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે, પરંતુ તે સરળ રહેશે નહીં. તેમના મતે, જો સરકાર જરૂરી સહાય પૂરી પાડશે નહીં અને યુનિયનો તેમના નિયમોમાં છૂટછાટ નહીં આપે, તો નવા ઘરો બનાવવા આર્થિક રીતે અશક્ય બની જશે.
સ્ટર્નલિચ્ટે સલામતી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ધ્યાન દોર્યું હતું કે મમદાનીએ અગાઉ પોલીસ વિભાગના બજેટમાં કાપ મૂકવાની માગ કરી હતી. જો લોકોને લાગશે કે તેમના બાળકો શેરીઓમાં સુરક્ષિત નથી, તો તેઓ શહેર છોડી દેશે. જો પોલીસમાં આદર અને સમર્થનનો અભાવ હશે, તો પરિસ્થિતિ વધુ ખરાબ થશે. તેમણે કહ્યું કે તેમની કંપની પહેલાથી જ મિડટાઉન મેનહટનથી તેની ઓફિસ ખસેડવાનું વિચારી રહી છે. અંતે સ્ટર્નલિચ્ટે કહ્યું કે તેમને આશા છે કે મમદાની ઇતિહાસમાંથી શીખશે, કારણ કે સમાજવાદ વિશ્વમાં ક્યાંય પણ સફળ થયો નથી.
4 નવેમ્બરના રોજ ન્યૂયોર્ક મેયરની ચૂંટણીમાં ઝોહરાન મમદાનીએ ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમોને હરાવ્યા હતા. મમદાનીની ન્યૂયોર્કના સૌથી યુવા મેયર, પ્રથમ ભારતીય-અમેરિકન અને 100 વર્ષમાં પ્રથમ મુસ્લિમ બનશે. તેઓ 1 જાન્યુઆરીએ શપથ લેશે. મમદાની પોતાને ‘લોકશાહી સમાજવાદી’ કહે છે, એટલે કે તે કોર્પોરેશનો કરતાં સામાન્ય લોકોની તરફેણ કરતી નીતિઓનું સમર્થન કરે છે. મમદાની ડેમોક્રેટિક પાર્ટીના ડાબેરી જૂથ (DSA) સાથે સંકળાયેલા છે. આ જૂથ મોટા કોર્પોરેશનો, અબજોપતિઓ અને ડેમોક્રેટિક પાર્ટીની પરંપરાગત નીતિઓનો વિરોધ કરે છે.