
મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને પંજાબ સહિત અનેક રાજ્યોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજસ્થાનના ઓગણીસ અને મધ્યપ્રદેશના આઠ શહેરોમાં બુધવારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ભોપાલમાં સતત પાંચમા દિવસે પારો 8 ડિગ્રી નોંધાયો હતો હરિયાણાના સાત શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું. નારનૌલમાં સૌથી ઓછું તાપમાન 7.7 ડિગ્રી નોંધાયું. દિલ્હીમાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્ય કરતાં 3.1 ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગે ગુરુવારે હળવા ધુમ્મસની આગાહી કરી છે. દિલ્હી અને હરિયાણામાં લોકો ઠંડા હવામાન અને ઝેરી હવાનો સામનો કરી રહ્યા છે. બંને રાજ્યોના 13 શહેરોમાં AQI 400ને પાર થઈ ગયો છે. હરિયાણાના જીંદમાં સૌથી વધુ AQI નોંધાયું છે, જેનો AQI 418 છે. દિલ્હીના બવાનામાં AQI 451 નોંધાયો છે, જ્યારે ચાંદની ચોકમાં AQI 449 નોંધાયો છે. ઇન્ડિયા ગેટ અને કર્તવ્ય પથની આસપાસનો વિસ્તાર ઝેરી ધુમ્મસની ચાદરમાં ઢંકાયેલો હતો. લુટિયન્સ ઝોનમાં ઇન્ડિયા ગેટ નજીક AQI 408 નોંધવામાં આવ્યો હતો. ધુમ્મસ એટલું ગાઢ હતું કે તેણે ઇન્ડિયા ગેટને ઢાંકી દીધો હતો.
મધ્યપ્રદેશના 13 જિલ્લાઓમાં ગુરુવારથી શરૂ થઈને ત્રણ દિવસ સુધી કોલ્ડવેવ રહેવાની ધારણા છે, જેમાં ભોપાલ અને ઇન્દોરનો સમાવેશ થાય છે. ભોપાલ વિભાગ અને માલવાની સાથે, રાજ્યના પૂર્વ ભાગમાં, જેમાં મંડલા, બાલાઘાટ અને રેવાનો સમાવેશ થાય છે, ત્યાં પણ ત્રણ દિવસ સુધી તીવ્ર ઠંડી પડી શકે છે. અનુપપુર અને બાલાઘાટમાં છેલ્લા બે દિવસથી કોલ્ડ-ડેની સ્થિતિ રહી છે. ભોપાલ રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન, પચમઢી કરતાં સતત પાંચ દિવસ ઠંડુ રહ્યું.