રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા લેવાયેલા ગુટકાના નમૂના પૃથક્કરણમાં નિષ્ફળ જતાં, ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ મ્યુનિસિપલ કોર્ટમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. આ કેસમાં વડોદરા સ્થિત જાણીતી આર.એમ.ડી. ગુટકા-ઉત્પાદક ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના નોમીની અનિલભાઈ મહેન્દ્રભાઈ પટેલને પાંચ વર્ષની આકરી સજા અને રૂ.
ત્રણ લાખનો દંડ ફટકારતો હુકમ કોર્ટે કર્યો છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાના ફૂડ સેફટી ઓફિસર એચ.જી. મોલિયા દ્વારા તારીખ ૧૮ માર્ચ ૨૦૧૩ના રોજ કુવાડવા રોડ પર આવેલી ભાભા એજન્સી ખાતે ચેકિંગ કરાયું હતું. ચેકિંગ દરમિયાન, દુકાનમાંથી આર.એમ.ડી. ગુટકાનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા ગુટકાના સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ મુકાયેલો હોવા છતાં, ભાભા એજન્સી દ્વારા તેનો સંગ્રહ અને વેચાણ થતું હતું.
ફૂડ સેફટી ઓફિસરે ગુટકાનો નમૂનો પૃથક્કરણ અર્થે લીધો હતો. વેચાણ માટે રાખેલા આ ગુટકામાં નિકોટીન મળી આવ્યું હતું, જે કાયદા દ્વારા પ્રતિબંધિત છે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આધાર પર, ફૂડ સેફટી ઓફિસર એચ.જી. મોલિયા દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી, ભાભા એજન્સીના માલિક રાજકુમાર દયારામ ક્રિષ્નાણી, ઉત્પાદક પેઢીના નોમીની અનિલ પટેલ અને ઉત્પાદક પેઢી મેસર્સ ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિરુદ્ધ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ – ૨૦૦૬ની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
કેસની કાર્યવાહી દરમિયાન, ભાભા એજન્સીના માલિક રાજકુમાર દયારામ ક્રિષ્નાણીનું અવસાન થતાં તેમની સામેનો કેસ પૂર્ણ કરવામાં આવ્યો હતો કેસની સુનાવણી બાદ કોર્ટે તારણ કાઢ્યું હતું કે ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના નોમીની અનિલ પટેલ અને ઉત્પાદક પેઢી દ્વારા સરકારના પ્રતિબંધની જાણ હોવા છતાં કાયદાની કલમ ૨૮ મુજબ બજારમાંથી વણવેચાયેલો માલ રીકોલ કરવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત, ઉત્પાદિત ગુટકામાં નિકોટીન ઉમેરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હતા, જે કાયદાનો ભંગ છે.આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને, રાજકોટની મ્યુનિસિપલ કોર્ટના ન્યાયમૂર્તિ કે. આર. ગાંગનાણી દ્વારા ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેના નોમીની અનિલભાઈ પટેલને પાંચ વર્ષની સજા ફટકારી હતી.