
ગુજરાતી ફિલ્મ હેલ્લારોની અભિનેત્રી અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવનાર અભિનેત્રી નીલમ પંચાલને કેબ ડ્રાઇવરનો કડવો અનુભવ થયો હોવાની ઘટના બની હતી. નીલમ પંચાલે અમદાવાદમાં પોતાના ઘરેથી કાલુપુર રેલવે સ્ટેશન જતી હતી ત્યારે ટેક્સીમાં ડ્રાઇવર તેને ધમકી આપી રહ્યો છે જેથી પોતે તે અસુરક્ષિત અનુભવી રહી છે તેવી સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી હતી. અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસને ટેગ કરીને X પર પોસ્ટ કરવામાં આવતા તાત્કાલિક અમદાવાદ પોલીસ હરકતમાં આવી હતી અને ટ્રાફિક પોલીસના પી.આઈ કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા. જોકે પોલીસ આવી ત્યાં સુધીમાં કેબ ડ્રાઇવર અભિનેત્રીને કાલુપુર રેલવે સ્ટેશન પાસે ઉતારીને જતો રહ્યો હતો. પરંતુ અભિનેત્રીની મુંબઈ જવા માટેની ટ્રેન છૂટી ગઈ હતી જે બાદ પોલીસે તેમને બીજી ટ્રેનમાં બેસવાની વ્યવસ્થા કરી આપી હતી. અમદાવાદ પોલીસની મદદ મળતા અભિનેત્રીએ રાત્રે X પરની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. આ બાબતે અમદાવાદ પોલીસે કેબ ડ્રાઇવરના મોબાઈલ નંબર અને ગાડી નંબરના આધારે તપાસ શરૂ કરી છે.
E ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ પી.એચ. ચૌધરીએ જણાવ્યું હતું કે અમદાવાદ પોલીસના X હેન્ડલ પર પોસ્ટ આવી હતી. જેમાં એક મહિલાને મદદની જરૂર હોવાથી તાત્કાલિક તેઓને મેસેજ મળતા કાલુપુર રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યારે રેલવે સ્ટેશન પર પહોંચ્યા ત્યારે અભિનેત્રી રેલવે પ્લેટફોર્મ પર પહોંચી ગયા હતા પરંતુ તેમની ટ્રેન છૂટી ગઈ હતી. કેબ ડ્રાઇવર તેમને ઉતારીને જતો રહ્યો હતો. કેબમાં બેસીને તેઓ જ્યારે રેલવે સ્ટેશન આવી રહ્યા હતા ત્યારે ઝડપથી પહોંચાડવાની જગ્યાએ બીજા રૂટ ઉપરથી તેને લઈને આવી રહ્યો હતો જેને લઈ ડ્રાઇવર સાથે બોલાચાલી થઈ હતી અને બાદમાં તેઓએ X પર પોસ્ટ કરી હતી. મુંબઈ જવા માટેની બે ટ્રેન છૂટી ગઈ હતી. ગુજરાતી અભિનેત્રી હતા અને ત્યારબાદ તેમને મુંબઈ જવાનું હોવાના કારણે રેલવે વિભાગ સાથે સંકલન કરી બીજી ટ્રેનમાં જવાની વ્યવસ્થા કરી આપી હતી.
ગુજરાતી અભિનેત્રી નીલમ પંચાલે હેલ્લારો ફિલ્મ સહિત અનેક ટેલિવિઝન ધારાવાહિકોમાં અભિનય કર્યો છે. અભિનેત્રી નીલમ પંચાલે 13 નવેમ્બરે અમદાવાદ પોતાના ઘરેથી મુંબઈ જવાનું હોવાના કારણે કાલુપુર રેલવે સ્ટેશન જવા બપોરે કેબ બુક કરી હતી. વંદે ભારત ટ્રેનમાં જવાનું હતું જેથી કેબ બુક કર્યા બાદ કેબ ડ્રાઇવર આવ્યો હતો અને તેઓ કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે નીકળ્યા હતા. કેબ ડ્રાઇવર પોતે ગાડી ધીમી ચલાવતો હતો અને બીજા રસ્તા ઉપરથી લઈ જતો હતો જેથી અભિનેત્રીએ તેને કહ્યું હતું કે તેમને જલદી રેલવે સ્ટેશન પહોંચવું છે અને કેબ ડ્રાઇવર બીજા રસ્તા ઉપરથી લઈ જાય છે જેથી તેમની વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી.
કેબ ડ્રાઇવર અભિનેત્રીને ઝડપથી પહોંચે એવા રૂટ પરથી લઈ જતો નહોતો અને બંને વચ્ચે નાની-મોટી બોલાચાલી થઈ હતી. કેબમાં પોતે એકલા હોવાથી તેમણે વધારે બોલાચાલી કરી નહીં અને ત્યારબાદ શાંતિથી બેઠા હતા. અભિનેત્રી નીલમ પંચાલ દ્વારા સોશિયલ મીડિયા X પર અમદાવાદ અને ગુજરાત પોલીસને ટેગ કરીને પોસ્ટ કરવામાં આવી હતી કે પોતે અત્યારે હાલમાં ટેક્સીમાં છે અને ડ્રાઇવર તેમને ધમકી આપી રહ્યો છે. પોતે અસુરક્ષિત અનુભવી રહી છે. જેથી તાત્કાલિક તેમને મદદની જરૂર છે હું કાલુપુર રેલવે સ્ટેશન પહોંચવા આવી છું.
અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસને ટેગ કરીને પોસ્ટ કરતા ગુજરાત પોલીસે તરત જ અમદાવાદ પોલીસને પોસ્ટ કરીને જવાબ આપ્યો કે આ બાબતે તાત્કાલિક અરજદારની ફરિયાદને લઈ કાર્યવાહી કરો. જેથી અમદાવાદ પોલીસે નજીકમાં E ટ્રાફિક પીઆઈ પી.એચ.ચૌધરીને જાણ કરતા તાત્કાલિક તેઓ કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. જોકે અભિનેત્રી નીલમ પંચાલને કેબ ડ્રાઇવર ઉતારીને નીકળી ગયો હતો. પી.આઈએ તાત્કાલિક અભિનેત્રીને શું બનાવ બન્યો હતો તે અંગે પૂછપરછ કરી હતી.
અભિનેત્રી કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી ત્યાં સુધીમાં વંદે ભારત ટ્રેન અને ત્યાર પછીની પણ ટ્રેન નીકળી ગઈ હતી. તેમને મુંબઈ જવું હતું પરંતુ તેઓ સમયસર પહોંચી શક્યા નહોતા. ત્યારબાદ પીઆઇએ તેમને અન્ય ટ્રેનમાં જવા માટેની વ્યવસ્થા કરી આપી હતી. પોલીસે તેમના લોકેશન અને મોબાઈલ નંબરના આધારે તરત જ તપાસ શરૂ કરી હતી પરંતુ કેબ ડ્રાઇવર નીકળી ગયો હતો. એક ગુજરાતી ફિલ્મ અભિનેત્રીને કેબ ડ્રાઇવર સાથે આવો કડવો અનુભવ થવાના કારણે અમદાવાદ પોલીસ એકશનમાં આવી અને યુવતીની મદદે પહોંચી હતી. આ બાબતે પોલીસે કેબ ડ્રાઇવરના ગાડી અને મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી છે.