સુરત બાદ હવે પાલનપુરના હીરા ઉદ્યોગમાં મંદી આવી, દિવાળી બાદ અનેક કારખાનાના શટર પડ્યા

Spread the love

 

એક સમયે માત્ર બનાસકાંઠા નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં “હીરા નગરી” તરીકેની ખ્યાતિ ધરાવતા પાલનપુરમાં હીરાનો ઉદ્યોગ આજે મૃતપાય અવસ્થામાં આવી ઉભો છૅ. જેમ જેમ સમય વીતી રહ્યો છૅ તેમ તેમ પાલનપુરમાં એક બાદ એક હીરાના કારખાનાઓને તાળા લાગી રહ્યા છૅ. અને પરિસ્થિતિની જોતા વર્ષોથી રત્ન કલાકારના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોના જીવ તાળવે ચોંટ્યા છૅ.

એક સમયે 800 થી વધુ હીરા કારખાના હતા
બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર એક સમયે સમગ્ર રાજ્ય સહિત દેશમાં “હીરા નગરી” તરીકે ઓળખાતું શહેર હતું. એક સમયે પાલનપુર શહેરમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર હીરાના કારખાના ધમધમતા જોવા મળતા. પાલનપુર શહેરમાં એક સમયે હીરા ઘસવાના 800 થી વધુ કારખાનાઓ ધમધમતા જેમાં 50 થી 60 હજાર રત્ન કલાકરો હીરા ઘસવાનો વ્યવસાય કરી પોતાની આવક ઊભી કરતા. જોકે સરહદીય બનાસકાંઠા જિલ્લામાં મુખ્ય ખેતી, પશુપાલન અને હીરાનો ઉદ્યોગ જ લોકોની આવકનો સ્ત્રોત હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી હીરાના ઉદ્યોગોમાં આવેલી મંદીને કારણે હીરા નગરી પાલનપુરમાંથી હીરાનો ઉદ્યોગ લુપ્ત થવા લાગ્યો. જેમ જેમ દિવસો વીતી રહ્યા છે તેમ તેમ એક બાદ એક હીરાના કારખાનાઓને તાળા લાગી રહ્યા છે.

દિવાળી બાદ 100-200 કારખાનાને તાળા લાગ્યા
એક સમયે 800થી વધુ કારખાનાઓ ધરાવતું હીરા નગરી પાલનપુર શહેરમાં આજે માત્ર નામસેસ 100 થી 120 જેટલા કારખાનાઓ વધ્યા છૅ. જેમાં 10 થી 12 હજાર જેટલાં રત્ન કલાકારો રહ્યા છૅ.પરંતુ આ વર્ષની દિવાળી પાલનપુરના હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા રત્ન કલાકારો માટે ચિંતાની દિવાળી બની છે. જેનું મુખ્ય કારણ એ છે કે આ વર્ષના દિવાળી વેકેશન બાદ એક સમયની હીરા નગરી પાલનપુરના 100- 120 કારખાનાઓમાંથી પણ અનેક કારખાનાઓના શટર પડી ગયા છૅ. દિવાળી બાદ પાલનપુર શહેરમાં માત્ર ૧૦ ટકા કારખાનાઓ જ ખુલ્યા છે. અને આ પરિસ્થિતિને કારણે રત્નકલાના વ્યવસાય સાથે સંકળાયેલા કારખાના માલિકો સહીત રત્નકલા ના વ્યવસાય સાથે સંકળાયેલા અનેક પરિવારોના જીવ તાળવે ચોંટ્યા છે.

હીરા ઉદ્યોગ એસોસિયેશનના પ્રમુખ અમૃતભાઈ ફોસી કહે છે કે, છેલ્લા 4 વર્ષથી હીરામાં મંદીનો મારો ચાલી રહ્યો છૅ. દિવાળી વેકેશન પછી હવે અમે 2 દિવસથી કારખાનું ખોલ્યું છે. પરંતુ લોટ જ નથી મળી રહ્યો.

જોકે જે કારખાનાઓ કાર્યરત છે તે કારખાનાઓમાં પણ રત્નકલાકારોને પૂરતું કામ નથી મળી રહ્યું. એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ કામ ન મળવાને કારણે રત્નકલાના વ્યવસાય સાથે સંકળાયેલા આ રત્ન કલાકારોના પરિવારોને ગુજરાત ચલાવવું તો કેવી રીતે તે સવાલ આ પરિવારો માટે ઉભો થયો છૅ. જોકે છેલ્લા કેટલાય વર્ષોથી મંદીનો ભોગ બનેલા રત્ન કલાકારો સમયની સાથે સાથે બેરોજગારીનો પણ ભોગ બનતા જઈ રહ્યા છે અને આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે સરકાર દ્વારા રત્ન કલાકારો માટે કોઈ સહાય કે કોઈ યોજના ઘડાય તેવી રત્ન કલાકારો સરકાર પાસે માંગ કરી રહ્યા છે.

રત્ન કલાકાર દેવાભાઇ પરમારે પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે, પહેલા અમે દિવસે 500-600 નું કામ કરી લેતા અત્યારે કામ તો કરવું છૅ પણ કામ નથી એટલે મજબૂરમાં 300-350 નું કામ મળે છૅ.

તો અન્ય રત્ન કલાકાર જયંતીભાઈએ કહ્યું કે, એક બાજુ મોંઘવારી વધી તો અમારું ભથ્થું પણ વધવું જોઈએ પણ અમને તો કામ મળતું જ ઓછું થઈ ગયું જેથી અમારો પગાર ઘટી ગયો જીવન ગુજરાવું તો કેવી રીતે.

જો કે હીરામાં આવેલી મંદીએ રત્ન કલાકારોના પરિવારની તો ચિંતા વધારી જ છૅ પરંતુ હીરાની મંદીને કારણે એક સમયે હીરાની નગરી તરીકે ઓળખાતા પાલનપુરની ખ્યાતિ ને પણ આંચ પહોંચાડી છૅ. જોકે હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા તજજ્ઞનું એવું માની રહ્યા છે કે જો આની આ પરિસ્થિતિ ચાલતી રહી તો એક સમયે હીરાનગરી તરીકે ઓળખાતા પાલનપુરમાંથી હીરાનું નામોનિશન નહીં રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *