અમદાવાદ
• ભાજપ સરકારના ભ્રષ્ટાચાર, ગેરવહીવટને યાત્રા દરમ્યાન ખુલ્લો પાડીશું : શ્રી અમિતભાઈ ચાવડા
• ૫૦,૦૦૦ રૂપિયાની નુકસાની સામે ૩,૫૦૦ રૂપિયાનું વળતર મળે તો ખેડૂતો આત્મહત્યા ન કરે તો શું કરે ? ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો : શ્રી અમિતભાઈ ચાવડા
• ‘જનઆક્રોશ યાત્રા’ એ પરિવર્તનનો શંખનાદ છે. ૨૦૨૭ માં ગુજરાતની જનતા સાથે રહી પરિવર્તન લાવીશું : શ્રી અમિતભાઈ ચાવડા
• ગુજરાતની ૬ કરોડની વસ્તીમાંથી ૩ કરોડ ૬૫ લાખ લોકો મફત અનાજ પર નિર્ભર છે… આ ગુજરાતની વાસ્તવિકતા છે : ડૉ. તુષારભાઈ ચૌધરી
• કોંગ્રેસે જંગલ જમીનનો અધિકાર આપ્યા પછી પણ માત્ર ૫૦% આદિવાસીઓને જંગલની જમીન મળી છે અને આદિવાસીઓના પ્રશ્નો હજી હલ થયા નથી, અન્યાય સામે આ લડત ચાલુ જ રહેશે : ડૉ. તુષારભાઈ ચૌધરી
અમદાવાદ
તા. ૨૧ નવેમ્બરથી કોંગ્રેસ રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરશે, ઉત્તર ગુજરાતના ઢીમાથી જન આક્રોશ યાત્રાની શરૂઆત થશે. ઢીમા, ધરણીધર થી થરાદ, લાખણી, ધાનેરા, ડીસા, દાંતીવાડા, પાલનપુર, અમીરગઢ, વડગામ, અંબાજી, ખેરોજ, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, રાજેન્દ્રચોકડી, શામળાજી, મેઘરજ, સાઠંબા, માલપુર, બાયડ, ધનસુરા, દહેગામ, ચિલોડા, ગાંધીનગર, માણસા, વિજાપુર, મહેસાણા, વિસનગર, ઊંઝા, ખેરાલુ, સિધ્ધપુર, સરસ્વતી, પાટણ, હારીજ, રાધનપુર, શંખેશ્વર, બેચરાજી ખાતે પુર્ણાહૂતિ થશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ આજે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને ગુજરાતમાં ભાજપના છેલ્લા ત્રણ દાયકાના શાસન સામે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રાની જાહેરાત કરી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા એ લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકાર મિત્રોને ‘રાષ્ટ્રીય પ્રેસ દિવસ’ની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, “ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ચાલી રહેલું ભાજપનું શાસન એ નીતિ અને રીતિ મુજબ પ્રજાને ગુલામ બનાવવા અને શોષણ કરવા સમાન છે. તેમણે આક્ષેપ કર્યો કે આજે ગુજરાતમાં ‘ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર’નું નિર્માણ થયું છે, જ્યાં સરકારને બદલે અધિકારી રાજ પ્રવર્તે છે અને પ્રજાના સંવૈધાનિક અધિકારો છીનવાઈ રહ્યા છે.
કોંગ્રેસ પ્રમુખે રાજ્યના બજેટ અને કરોડો રૂપિયાના ટેક્સના પૈસાનો ઉલ્લેખ કરીને સવાલ ઉઠાવ્યો કે આ પૈસાનો ઉપયોગ પ્રજા માટે થવાને બદલે માત્ર ઉત્સવો, તાયફાઓ અને ભ્રષ્ટાચાર પાછળ વેડફાય છે. તેમણે ખેડૂત વિરોધી નીતિ પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે આજે ગુજરાતનો ખેડૂત રૂ. ૫૬,૦૦૦ના દેવામાં ડૂબેલો છે અને વારંવારની આત્મહત્યાઓ છતાં સરકારનું પેટનું પાણી પણ હાલતું નથી, ખેડૂતોને રૂ. ૫૦,૦૦૦ની નુકસાની સામે માત્ર રૂ. ૩,૫૦૦નું વળતર આપીને રાહત પેકેજના નામે મશ્કરી કરવામાં આવી છે. શિક્ષણ અને કાયદો-વ્યવસ્થા અંગે તેમણે જણાવ્યું કે શિક્ષણનું વ્યાપારીકરણ થતા ગરીબ પરિવારો માટે ભણતર મુશ્કેલ બન્યું છે, જ્યારે દારૂ, ડ્રગ્સ અને ગુંડાગીરીના કારણે કાયદો-વ્યવસ્થા કથળી ગઈ છે અને પોલીસ પણ જાણે હપ્તાખોરોની ગુલામ બની ગઈ છે.
આ તમામ પ્રશ્નોને ઉજાગર કરવા માટે ‘જન આક્રોશ યાત્રા’ની શરૂઆત ૨૧મી નવેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના વાવ (ધરણીધર ભગવાન મંદિર, ભીમા)થી થશે અને ૩જી ડિસેમ્બરે બેચરાજી (બહુચર માતા મંદિર) ખાતે સમાપ્ત થશે. આ પ્રથમ તબક્કાની ૬૦ દિવસની યાત્રા દ્વારા સમગ્ર ગુજરાતમાં પરિવર્તનનો શંખનાદ કરવામાં આવશે.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારના આંકડા રજૂ કરતા જણાવ્યું કે મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રને પડતા મૂકવાનું પગલું માત્ર ભ્રષ્ટાચાર પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ છે, કારણ કે દાહોદ જિલ્લાના ૮૦ ગામડામાં જ રૂ. ૪૩૪ કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવા છતાં કોઈ તપાસ કરવામાં આવી નથી. તેમણે નલ સે જલ યોજનામાં પણ મોટા કૌભાંડનો આક્ષેપ કર્યો કે નળ લાગી ગયા છે, પરંતુ પાણી નથી.
શિક્ષણ અને બેરોજગારીની વાસ્તવિકતા દર્શાવતા જણાવ્યું કે ૫,૬૪૬ શાળાઓમાં મેદાન નથી, ૪૦,૦૦૦થી વધુ શિક્ષકોની ઘટ છે, અને કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ આદિવાસી વિસ્તારના ૩.૨૧ લાખ બાળકો કુપોષિત છે. તેમણે બેરોજગારીનો આંકડો ટાંકતા કહ્યું કે માત્ર ૫ સ્ટાફ નર્સની ભરતી સામે ૩,૧૫૦ અરજીઓ આવે તે ગુજરાતની ગંભીર સ્થિતિ દર્શાવે છે.
કોંગ્રેસે જંગલ જમીનનો અધિકાર આપ્યા પછી પણ માત્ર ૫૦% આદિવાસીઓને જંગલની જમીન મળી છે અને આદિવાસીઓના પ્રશ્નો પર ભાર મુક્તા સ્પષ્ટ કર્યું હતું કે આદિવાસીઓના પ્રશ્નો હજી હલ થયા નથી અને આ લડત ચાલુ જ રહેશે. હાલમાં જ જે સરકારે ગીર ફાઉન્ડેશન નામની સંસ્થાને જે સેટેલાઇટ સર્વે કરવાનું જે કામગીરી સોંપી છે, એ ગીર ફાઉન્ડેશન દ્વારા બિન અધિકૃત રીતે જંગલના દાવાઓ ના મંજૂર કરવામાં આવે છે.
ગુજરાતની વસ્તી આપણે ૬ કરોડની ગણીએ તો એમાંથી ૩ કરોડ ૬૫ લાખ લોકો મફત અનાજ પર નિર્ભર છે… આ ગુજરાતની વાસ્તવિકતા છે.
કોંગ્રેસના નેતાઓએ સંકલ્પ વ્યક્ત કર્યો કે આ ‘જન આક્રોશ યાત્રા’ દરમિયાન ખેડૂતો, યુવાનો, મહિલાઓ, નાના વેપારીઓ સહિત તમામ વર્ગના લોકોના પ્રશ્નોને ઉજાગર કરવામાં આવશે અને ૨૦૨૭માં ગુજરાતમાં પ્રજાના હિતમાં પરિવર્તન લાવવા માટે પરિણામલક્ષી લડત લડવામાં આવશે.
ગુજરાતની જનતાને આહ્વાન કરતાં કહ્યું, “આ યાત્રા ફક્ત રાજકીય પ્રચાર નથી, પરંતુ તમારા પ્રશ્નોને સરકારના બહેરા કાન સુધી પહોંચાડવા માટેનો સંઘર્ષ છે. આ યાત્રા દરમિયાન અમે ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને દરેક શોષિત વર્ગ સાથે સીધો સંવાદ કરીશું, તેમને ‘જનમંચ’ આપીશું અને તેમના આક્રોશને બુલંદી આપીશું.
જો તમારા પ્રશ્નો વણઉકેલ્યા હોય, તમને અન્યાય થયો હોય, અથવા તમે ભ્રષ્ટાચારથી ત્રસ્ત હો, તો આ ‘જન આક્રોશ યાત્રા’માં જોડાઈને તમારો અવાજ સરકાર સામે બુલંદ કરો. કોંગ્રેસ આ લડાઈને પરિણામલક્ષી બનાવીને ૨૦૨૭માં ગુજરાતમાં પરિવર્તન લાવીને જ રહેશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આયોજીત પત્રકાર વાર્તામાં પ્રદેશ અગ્રણી ડૉ. હિમાંશુભાઈ પટેલ, શ્રી ચેતનભાઈ રાવલ, મીડીયા કો-ઓર્ડીનેટર અને પ્રવક્તાશ્રી હેમાંગભાઈ રાવલ, પ્રવક્તા ડૉ. હિરેન બેંકર, ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા, સોશીયલ મીડીયા ડીપાર્ટમેન્ટના ચેરમેનશ્રી ભુમન ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.


