સરદાર પટેલના વિચારો અને દ્રઢ સંકલ્પથી 150 યુનિટી માર્ચ પદયાત્રામાં હજારો નાગરિકો ડેપ્યુટી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જોડાયા,

Spread the love

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી: સરદાર@150

નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મજુરા વિધાનસભાની ‘સરદાર@150 યુનિટી માર્ચ’ પદયાત્રા યોજાઈ: ૨૦,૦૦૦ થી વધુ રાષ્ટ્રપ્રેમી નાગરિકો જોડાયા

બમરોલીથી રત્નદીપ સોસાયટી સુધી ૦૮ કિલોમીટરની એકતા પદયાત્રા: ‘વંદે માતરમ અને ભારત માતા કી જય’ના નારા સાથે સમગ્ર માહોલ દેશભક્તિમય બન્યો

સરદાર પટેલના વિચારો અને દૃઢ સંકલ્પથી જ ભારત આજે એકત્વ અને વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છેઃ નાયબ મુખ્યમંત્રી

માહિતી બ્યુરોઃસુરત,રવિવારઃ- દેશની એકતા, અખંડતાનાના પ્રતિક લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મજુરા વિધાનસભા વિસ્તારની ‘સરદાર@150 યુનિટી માર્ચ’ પદયાત્રા યોજાઈ હતી. જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સરદાર પદયાત્રા શહેરના અટલ ક્લિનીક, બમરોલીથી રત્નદીપ સોસાયટી ખાતે પૂર્ણ થઈ હતી. ૮ કિલોમીટર લાંબી આ પદયાત્રામાં ૨૦,૦૦૦ થી વધુ રાષ્ટ્રપ્રેમી નાગરિકો જોડાયા હતા. ‘વંદે માતરમ અને ભારત માતા કી જય’ ના નારા સાથે સમગ્ર માહોલ દેશભક્તિમય બન્યો હતો.
સુરતની ઐતિહાસિક ભૂમિ પરથી ઉઠેલો મા ભારતીનો નારો દેશભરમાં ગુંજે તેવી અપેક્ષા વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશને એકતાની ડોરમાં બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ કશ્મીરથી કન્યાકુમારી સુધી ધામધૂમપૂર્વક ઉજવાઈ રહી છે. સરદાર પટેલના વિચારો અને દૃઢ સંકલ્પથી જ ભારત આજે એકત્વ અને વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. દેશની એકતા અને અખંડિતતા જાળવવામાં સરદાર સાહેબનું યોગદાન અવિસ્મરણીય હોવાનું તેમણે જણાવ્યું હતું.
મજુરા વિસ્તારમાં યોજાયેલી યુનિટી માર્ચ પદયાત્રા અંગે તેઓએ જણાવ્યું હતું કે, મજુરા વિસ્તાર ‘મિની ભારત’ સમાન છે, જ્યાં વિવિધ સંસ્કૃતિ અને સમુદાયના લોકો એકતાની ભાવના અને વિવિધતામાં એકતા સાથેની ભારતીય ઓળખ સાથે રહે છે. આ પદયાત્રા યુવા પેઢીને સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રને એક બનાવવા કરાયેલા ઐતિહાસિક પ્રયાસો તથા તેમના વિઝન વિશે માહિતગાર કરવાની ક્ષણ છે એમ તેમણે ઉમેર્યું હતું.
પદયાત્રા બાદ ઉપસ્થિત સૌએ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરી આત્મનિર્ભર ભારત નિર્માણના શપથ લીધા હતા.
આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, કોર્પોરેટરો, પદાધિકારીઓ, પાલિકાના અધિકારીઓ, અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *