ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી
• વાઘુજી ઠાકોરની શારીરિક ક્ષમતાને અનુરૂપ સરકારી અથવા અર્ધસરકારી સંસ્થામાં રોજગાર આપવો જોઈએ, નહીં તો 21 વર્ષની ઉમરમાં જ તેમનું જીવન અંધકારમાં ધકેલાઈ ગયું છેઃ કોંગ્રેસ
અમદાવાદ
ગુજરાતનો 20 વર્ષનો એક યુવક અગ્નિવીર માટે ૨૦૨૪માં પસંદ થાય છે. તાલીમ દરમિયાન ફિનિશિંગ લાઇન પર પહોંચતાં પહેલાં જ તે પડી જાય છે અને તેના પગમાં ફ્રેક્ચર થાય છે. બેંગલુરુના કમાન્ડ હોસ્પિટલમાં સારવાર બાદ તેને 8 અઠવાડિયાની રજા આપવામાં આવે છે. આ દરમિયાન તેને ડ્યુટીમાંથી 45 દિવસથી વધુ ગેરહાજરીનો નોટિસ મળે છે અને જ્યારે તે અગ્નિવીરના આર્મી સર્વિસ કોર (ASC) તાલીમ કેન્દ્ર પહોંચે છે, ત્યારે મેડિકલ બોર્ડના દિવ્યાંગ પ્રમાણપત્રના આધારે તેને ‘અયોગ્ય’ ગણાવી બહાર કરી દેવામાં આવે છે.
2 TRG BN, ASC સેન્ટરના કમાન ઓફિસરે તેમને મેડિકલ અનફિટ ગણાવી બોર્ડઆઉટ કરી દીધા. તેમના જણાવ્યા મુજબ મેડિકલ બોર્ડે તેમને 3 ટકા દિવ્યાંગ ગણાવ્યા છે. એટલું ઓછું કે દિવ્યાંગરૂપે કોઈ લાભ મળવો શક્ય નથી, અને એટલું વધુ કે હવે તેમને સેના કે કોઈ પણ વિંગમાં નોકરી મળી શકે તેમ નથી.
ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વનાસણા ગામના વાઘુજી ઠાકોર 26 ઓક્ટોબર 2024ના રોજ અગ્નિવીરમાં પસંદ થતા આનંદથી ખીલ્યા હતા. પરંતુ તાલીમ દરમિયાન દોડતી વખતે ફિનિશિંગ લાઇન નજીક પગ મરડી જતાં તેઓ પડી ગયા અને ફ્રેક્ચરના કારણે તેમને કમાન્ડ હોસ્પિટલ, એર ફોર્સ, બેંગલુરુમાં દાખલ થવું પડ્યું. ત્રણ દિવસની સારવાર બાદ મેડિકલ બોર્ડે તેમને આઠ અઠવાડિયાની રજા આપી. પરંતુ જ્યારે તેઓ પાછા ફર્યા, ત્યારે તેમને રાહ જોઈ રહી હતી નિરાશા. શ્રી વાઘુજી ઠાકોર સામાન્ય પરિવારમાં જીવન જીવી રહ્યાં છે. તેમનો પરિવાર “ભાગીયા” તરીકે ખેતી પર જીવન ગુજારી રહ્યાં છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અગ્નિવીર યોજના દ્વારા સશસ્ત્ર દળોની શિસ્ત, સ્થિરતા અને મનોબળને ભારે આંચકો પહોંચ્યો છે. ભાજપ સરકારે દેશની આર્મ્ડ ફોર્સિસ ગૌરવ,યુવાનોના સપના અને તેમની કારકિર્દી સાથે પ્રયોગ કર્યો છે.પાંચ વર્ષ ની ભરતી લાવીને જવાનોનું મનોબળ તોડવાનું કામ ભાજપે કર્યું છે. કૉંગ્રેસની માંગ સ્પષ્ટ છે અગ્નિવીર યોજના સશસ્ત્ર દળોને કમજોર કરે છે, યુવાનોને નિરાશ કરે છે અને રાષ્ટ્રસુરક્ષાને અસર કરે છે. આ યોજના તાત્કાલિક સમીક્ષા કરીને સૈનિકોના ભવિષ્યને સુરક્ષિત કરવાની જરૂરીયાત છે. અગ્નિવીર સાથે અન્યાય થયાની ગુજરાત કોંગ્રેસની લાગણી છે. પાટણના સિદ્ધપુર તાલુકાના વનાસણા ગામના ઠાકોર વાઘુજીને ટ્રેનિંગ દરમિયાન થયેલી ઇજાના કારણે અનફિટ જાહેર કરી દેવાયા, ટ્રેનિંગ દરમિયાન પગ મચકોડાય જતા 3% ડીસેબિલિટી જાહેર કરી અનફિટ જાહેર કરાયા, અનફિટ જાહેર કરાતા હવે આર્મીના કોઈ પણ વિભાગમાં નોકરી મેળવવાના દરવાજા બંધ થયા છે, એક નિર્ણયથી 21 વર્ષીય યુવકના નોકરી માટેના તમામ દરવાજા બંધ થાય એ કેટલા અંશે યોગ્ય ? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રને મદદ માટે લેખિતમાં રજૂઆત કરી, પરંતુ ક્યાંયથી કોઈ જવાબ મળ્યો નથી. વાઘુજી ઠાકોરની શારીરિક ક્ષમતાને અનુરૂપ સરકારી અથવા અર્ધસરકારી સંસ્થામાં રોજગાર આપવો જોઈએ, નહીં તો 21 વર્ષની ઉમરમાં જ તેમનું જીવન અંધકારમાં ધકેલાઈ ગયું છે. કોંગ્રેસ પક્ષના સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ અને શ્રી ગેનીબેન ઠાકોર દેશના રક્ષામંત્રી સમક્ષ આ મામલે ન્યાય મળે તે માટે લેખિત રજુઆત કરશે.


