દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના ગંભીર પ્રત્યાઘાતો ગુજરાતની સુરક્ષા વ્યવસ્થા પર પણ જોવા મળી રહ્યા છે. રાજ્યની સુરક્ષાને અભેદ બનાવવા માટે ગુજરાતના પોલીસ વડા (DGP) વિકાસ સહાયે તાત્કાલિક અસરથી એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. આ આદેશ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લા અને શહેરના પોલીસ વડાઓને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે, છેલ્લા 30 વર્ષ દરમિયાન રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કે પકડાયેલા તમામ આરોપીઓનું માત્ર 100 કલાકની અંદર સઘન વેરિફિકેશન કરવામાં આવે.
આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય આવા તત્વોનો વર્તમાન ડેટાબેઝ અપડેટ કરવાનો અને કોઈ પણ અનિચ્છનીય પ્રવૃત્તિને ડામી દેવાનો છે.
100 કલાકનું અલ્ટીમેટમ: પોલીસ તંત્ર એક્શન મોડમાં
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ગુજરાતના તમામ પોલીસ કમિશનર (CP) અને જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે સુરક્ષા બાબતે કોઈ પણ પ્રકારની ઢીલ ચલાવી લેવામાં આવશે નહીં. દિલ્હીની ઘટના બાદ સતર્કતાના ભાગરૂપે, DGPએ એક વિશેષ ડ્રાઈવ શરૂ કરી છે. જેમાં પોલીસ અધિકારીઓને આગામી 100 કલાકની સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન પોલીસે તેમના વિસ્તારના જુના રેકોર્ડ્સ તપાસીને ગ્રાઉન્ડ લેવલે વેરિફિકેશન કરવાનું રહેશે.