સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેણે ફરી એકવાર યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ પ્રત્યે લાલ બત્તી ધરી છે. અમદાવાદની વતની અને IT કંપનીમાં કામ કરતી 24 વર્ષીય યુવતી ધારુકાવાળા કોલેજના સ્ટેજ પર સ્પીચ આપી રહી હતી, ત્યારે અચાનક ઢળી પડતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર કરૂણ ઘટના કોલેજના CCTV કેમેરામાં કેદ થઈ છે.
યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક તપાસમાં આ મોત પાછળનું કારણ હાર્ટ એટેક હોવાનું મનાય રહ્યું છે.
વક્તવ્ય દરમિયાન અચાનક તબિયત લથડી
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક યુવતીની ઓળખ જીલબેન સુરેશભાઈ ઠક્કર તરીકે થઈ છે. તેઓ મૂળ અમદાવાદના રાયપુર વિસ્તારમાં આવેલી અકાશેઠની પોળના રહીશ હતા. જીલબેન એક IT કંપનીમાં નોકરી કરતા હતા. તેમની કંપની દ્વારા સુરતની કાપોદ્રા સ્થિત ધારુકાવાળા કોલેજમાં એક કેમ્પેઈન/સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે તેઓ અમદાવાદથી ખાસ સુરત આવ્યા હતા. કોલેજના ઓડિટોરિયમમાં જ્યારે તેઓ વિદ્યાર્થીઓને સંબોધી રહ્યા હતા, ત્યારે ચાલુ સ્પીચે અચાનક તેઓ મંચ પર જ ઢળી પડ્યા હતા અને બેભાન થઈ ગયા હતા.